Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

અમેરીકાનો પ્રવાસ ખેડનાર ચીની નાગરીકો માટે એલર્ટ જાહેર કર્યો

બેઇજીંગઃ તા.૫,ચીને તેમના નાગરિકોને અમેરિકાની યાત્રાને લઇને ચેતવણી આપી છે. ચીને તેના નાગરિકોને કહ્યુ છે કે અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપારિક તણાવ ઘણો વધી ગયો છે. જેના લીધે ચીની નીગરિકોને અમેરિકામાં સુરક્ષા તેમજ ઉત્પીડન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડશે.

 એક દિવસ પહેલા જ અમેરિકામાં રહીને અભ્યાસ કરતા અથવા તે અમેરિકા જઇ રહેલા તેના વિદ્યાર્થીઓને આવી જ ચેતવણી આપી હતી. ચીનના પર્યટન અને સાંસ્કૃતિક મંત્રાલયે અમેરિકા જવા ઇચ્છતા ચીની નીગરિકો માટે એલર્ટ જાહેર કર્યુ છે. ચીનનું માનવુ છે કે આમ કરવાથી અમેરિકાના પ્રવાસન ઉદ્યોગ પર અસર થશે.

હાલમાં જ અમેરિકામાં થયેલી ગોળીબારી, ચોરી જેવી ઘટનાઓના ઉદાહરણ આપી ચીની સરકીરે પોતાના નાગરિકોને ચેતવણી આપી છે કે અમેરિકા જવું એ જોખમોથી ભરેલું છે. આ ચેતવણી આ વર્ષના અંત સુધી લાગુ રહેશે.

ચીન અને અમેરિકા વચ્ચે ઉભી થયેલી ટ્રેડવોરની સ્થિતિના કારણે ગયા વર્ષે ૧૫ વર્ષમાં પહેલી વાર અમેરિકા જતા ચીની પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. ચીન અને અમેરિકાના તણાવમાં આ મહિનામાં મોટો વધારો થયો છે કારણ કે અમેરિકાએ ચીની કંપની હુવેઇ પર પ્રતિબંધ મુકયો છે. વર્તમાન પરિસ્થિતિ જોતા હાલમાં આ તણાવ ઘટવાની કોઇ સંભાવના દેખાતી નથી.

(3:31 pm IST)