Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

યુટયુબ સ્ટારે ટૂથપેસ્ટ લગાવેલું બિસ્કિટ ખવડાવતાં થઇ દોઢ વર્ષની જેલ

લંડન તા. પઃ અળવીતરૃં કામ કરીને યુટયુબ પર ચમકી જવાનો અભરખો ધરાવતા લોકો માટે આંખ ખોલી નાખતી એક ઘટના સ્પેનમાં બની છે. રેન નામના યુટયુબરે એક બેઘર વ્યકિતની મજાક ઉડાડવામાં હદ વટાવી નાખી હતી. બાર્સેલોનામાં બનેલી આ ઘટના છે. જેમાં રેનભાઇએ એક ઓરિયો બિસ્કિટનું પેકેટ ખરીદ્યું. એમાંથી ક્રીમ ખાઇ લઇને બિસ્કિટની વચ્ચે ટૂથપેસ્ટ ચોપડી દીધી, એટલું જ નહીં, બિસ્કિટનું પેકેટ પાછું હતું એમ ને એમ બંધ પણ કરી દીધું. આવાં ટૂથપેસ્ટવાળાં બિસ્કિટ ભાઇએ રસ્તા પર રહેતા જયોર્જ નામના એક બેઘરને આપી દીધું. જયારે પેલો ભૂખ્યો માણસ એ બિસ્કિટ ખાઇ રહ્યો હતો ત્યારે રેનભાઇ એનો વિડિયો ઉતારી રહ્યા હતા. એક-બે બિસ્કિટ ખાધા પછી પેલા ગરીબ માણસને ઉબકા આવવા લાગ્યા એટલે તેણે પેકેટ ફેંકી દીધું. આ ઘટના વખતે વિડિયોમાં ભાઇસાહેબ બોલતા સંભળાય છે કે 'કદાચ મેં હદ વટાવી દીધી છે, પણ કદાચ આ સ્પેશ્યલ બિસ્કિટથી ગરીબ માણસના દાંત સાફ થઇ ગયા. તેણે દાંત સાફ કરવા ડેન્ટિસ્ટ પાસે નહીં જવું પડે.' આટલી ભેદી મજાક પછી પણ તેનું મન ન ભરાયું એટલે તેણે આ વિડિયો પોતાની ચેનલ ઉપરાંત અન્ય સોશ્યલ મીડિયામાં પણ તરતો મુકયો. વાઇરલ થઇ ગયેલા આ વિડિયો પછી પોલીસની આંખ ઉઘડી. રેનને શોધીને તેની ધરપકડ કરી અને કોર્ટમાં કેસ ચાલ્યો. અમાનવીય વ્યવહાર બદલ તેને દોઢ વર્ષની જેલની સજા થઇ, એટલું જ નહીં, રર,૦૦૦ ડોલર એટલે કે લગભગ ૧પ લાખ રૂપિયાનો દંડ અને આગામી પાંચ વર્ષ સુધી યુટયુબ ચેનલ સહિત અન્ય સોશ્યલ મીડિયામાં એકાઉન્ટ ખોલીને એકિટવ થવા પર પણ પાંચ વર્ષની પ્રતિબંધ મૂકયો.

(3:30 pm IST)