Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

ચીનના જિયાંમાં ક્વોરેન્ટાઇનના કારણોસર લોકોમાં ભૂખમરાની સ્થિતિ સર્જાઈ

નવી દિલ્હી: ચીન ઝીરો કોવિડ પોલિસી પર ચાલી રહ્યું છે પણ તેની આ નીતિથી તેની જનતાની કમર ભાંગી રહી છે. ચીનનું જિયાન શહેર તેનું જીવતું-જાગતું ઉદાહરણ છે. થોડા સમય પહેલાં ત્યાં કોરોનાના નવા કેસ મળ્યા હતા. ત્યાર બાદ 24 ડિસેમ્બરે ચીનની સામ્યવાદી સરકારે શહેરમાં લૉકડાઉન કરી દેતાં 1.3 કરોડ લોકો ઘરમાં કેદ થઇ ગયા હતા.

સંક્રમિતોના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરીને તેમને ક્વોરેન્ટાઇન કરી દેવાયા. તેના કારણે તેઓ ઘરમાં કેદ થઇ ગયા અને ખાણીપીણીની ચીજો પણ ન મેળવી શક્યા. તેમની મદદ માટે વહીવટીતંત્ર કે શહેરની સંસ્થાઓ આગળ ન આવી. મજબૂરીવશ લોકોએ સોશિયલ મીડિયા પર પોકાર કર્યો. જોકે, તકસાધુઓએ તેનો ભરપૂર લાભ ઉઠાવ્યો. તેઓ ક્વોરેન્ટાઇન થયેલા લોકો પાસેથી ખાદ્ય ચીજોનો અનેકગણો ભાવ વસૂલવા લાગ્યા. હદ તો ત્યાં થઇ કે જેમની પાસે નાણાં નહોતા તેમની સાથે તેમના ગેજેટના બદલામાં સામાનની અદલાબદલી કરવા લાગ્યા. ટૂંકમાં, ક્વોરેન્ટાઇન થયેલા લોકોને સંપૂર્ણપણે લૂંટવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં આ ઉઘાડી લૂંટની તસવીરો પણ સામે આવી રહી છે, જેમાં લોકો તેમના કિમતી ગેજેટ આપીને ડિશવૉશર, શાકભાજી, નૂડલ્સ, કેક, બ્રેડ, સેનેટરી પેડ, સિગારેટના પેકેટ વગેરે લેતા દેખાય છે. વાંગ નામના એક યુવકે રેડિયો ફ્રી એશિયાને જણાવ્યું કે જે-તે ઇમારતોના લોકો જ ખાણીપીણીની ચીજોની અદલાબદલી કરી રહ્યા છે.

(6:59 pm IST)