Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

આ જોડિયા ભાઈઓને સૂવાનું સાથે જ જોઈએ

જયારે તેમને અલગ-અલગ સુવડાવવામાં આવે ત્યારે આખો ચહેરો લાલ થઈ જાય ત્યાં સુધી રડારાડ કરી મૂકે અને જો બન્નેને સાથે સુવડાવવામાં આવે તો તરત સૂઈ જાય

ન્યુયોર્ક, તા.૫: માત્ર આઠ મહિૂનાનાં ટ્વિન્સ બાળકોને જયાં સુધી એક જ ઘોડિયામાં સુવડાવવામાં ન આવે ત્યાં સુધી તેઓ સૂતા નથી એવો મજેદાર વિડિયો તેમની મમ્મીએ શેર કર્યો છે. મિનેસોટામાં રહેતી ૨૭ વર્ષની મમ્મી બ્રેના ગ્રુન્ડે પોતાનાં બાળકો લેન અને લેનોકસનો વિડિયો બતાવતાં જણાવે છે, જયારે તેમને અલગ-અલગ સુવડાવવામાં આવે ત્યારે આખો ચહેરો લાલ થઈ જાય ત્યાં સુધી રડારાડ કરી મૂકે અને જો બન્નેને સાથે સુવડાવવામાં આવે તો તરત સૂઈ જાય.

અમેરિકાના પીડિયાટ્રિકસ અસોસિએશને એવી સલાહ આપી છે કે ભાઈઓ અને બહેનો વચ્ચે બેડ-શેરિંગ ન કરવું જોઈએ. મમ્મીએ જણવ્યું કે બન્ને એક બેડમાં એકબીજાના શરીર પર ચડી જાય અને હાથ પકડવા જેવી અનેક મસ્તી કરે છે. તે પોતાનાં સંતોનોને રડતાં જોવા માગતી નથી એથી બન્નેને સાથે મૂકે છે. જન્મ્યાં ત્યારે ૨૦ દિવસ સુધી તેમને હોસ્પિટલમાં જ રાખવાં પડ્યાં હતાં. તેમની જીભ તથા હોઠ પર કાપો મૂકતાં ઓપરેશન પણ કરવાં પડ્યાં હતાં. ઉપરાંત કોવિડ અને રસી તેમ જ કાનના ઇન્ફેકશન પણ થયાં હતાં. દીકરાઓ સાથે મસ્તી કરતા અનેક વિડિયો મમ્મીએ શેર કર્યા છે જેમાં બન્ને એકબીજા સાથે રમતાં હોય છે.

ભલે બાળકોના ડોકટરોએ તેમને અલગ-અલગ સુવડાવવાની ભલામણ કરી હોય છતાં આ વિડિયો જોયા બાદ લોકો આ ટ્વિન્ટને સાથે જ રાખવાની ભલામણ કરે છે. એક યુઝરે લખ્યું છે કે શા માટે તેમને અલગ કરવાં જોઈએ, જો તેમને એકબીજાનો સાથ ગમતો હોય અને તેઓ આનંદમાં રહેતાં હોય.

(3:10 pm IST)