Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

તમારૂ બાળક પણ ગરમ કપડા નથી પહેરતુ ? તો કરો બાળક માટે સ્વેટરની સ્માર્ટ શોપીંગ

બાળક માટે તેની પસંદની ખરીદી કરવી એ બહુ અઘરૂ કામ બની જાય છે. કારણ કે બાળક પોતાની પસંદ-નાપસંદ પર વધારે સમય સ્થિર રહી શકતા નથી. થોડીવાર પહેલા તેને કોઈ વસ્તુ ખૂબ જ પસંદ હોય, તો વળી બીજી જ ક્ષણે તે વસ્તુ તેને  ગમતી નથી. હવે જ્યારે શિયાળો ધીમે-ધીમે શરૂ થઈ રહ્યો છે, ત્યારે બાળક માટે સ્વેટરની ખરીદી કરવાની હોય છે. વળી બાળકોને મોટા અને ગરમ કપડા પસંદ હોતા નથી. ત્યારે બાળકોને ગરમ કપડા પહેરાવવા એ મુસીબત બની જાય છે. ત્યારે તમે બાળક માટે સ્વેટરની સ્માર્ટ ખરીદી કરીને બાળકને ગમે તેવા સ્વેટરની પસંદગી કરી શકો છો.

કાર્ટૂન કેરેકટર

જો બાળક ગરમ કપડા ન પહેરતુ હોય, તો તેના માટે કાટૂર્ન કેરેકટરવાળા કપડાની પસંદગી કરો. બજારમાં આજકાલ આ પ્રકારના કેટલાય કપડા ઉપલબ્ધ છે. તેથી તે પોતે જ કાટૂનવાળા ગરમ કપડા પહેરવા જીદ કરશે. ખાસ તો બાળકને જે કાર્ટૂન પસંદ હોય તે કાર્ટૂન કેરેકટરવાળુ સ્વેટર ખરીદવુ. તેથી તે સામેથી સ્વેટર પહેરવા માટે તૈયાર થઈ જશે.

આકર્ષક મોજા

બજારમાં અલગ-અલગ રંગોના સોકસ એટલે કે મોજા મળે છે. મોજાની ખરીદી કરતી વખતે મટીરિયલ્સનું ખાસ ધ્યાન રાખવુ અને બાળકને તરત જ ગમી જાય તેવા ચટખ રંગોની પસંદગી કરવી. સૌપ્રથમ તો બાળકની પસંદને સમજવાની કોશિશ કરવી. સંભવ હોય તો બાળકને બજારમાં લઈને જવા અને તેની પસંદના જ ગરમ કપડા અને મોજા ખરીદવા.

કુલ જેકેટ

શિયાળામાં બાળકો વધારે કપડા પહેરવા પસંદ કરતા નથી. કારણ કે રમતી વખતે તેને પ્રમાણમાં વધારે કપડા કમ્ફર્ટેબલ લાગતા નથી. તેથી તેને ઓછા અને સ્ટાઈલીશ કપડા પહેરવા ગમે છે. ત્યારે તમે બાળકો માટે કેપવાળા જેકેટની ખરીદી પર વિચાર કરી શકો છો. આ જેકેટ કુલ લુકના કારણે બાળકને પસંદ આવશે અને તેને સ્ટાઈલીશ લુક પણ આપશે. આ જેકેટનો એક ફાયદો એ પણ છે કે જો વધારે ઠંડી હોય તો તેની કેપ ઠંડીથી બચાવે છે.

ખરીદી કરતી વખતે...

 બાળક માટે વધારે ભારે કપડા ન ખરીદવા. ભારે કપડા પહેરાવવાથી તે છુટથી રમી શકતુ નથી.

 જો બાળક પોતે ગરમ કપડાની યોગ્ય પસંદગી કરતુ હોય, તો તેની જ પસંદના જ કપડા ખરીદવા.

 શિયાળામાં પીળા, ભૂરા, લાલ, લીલા, નારંગી રંગના કપડા ખરીદવા.

 મુલાયમ કપડા ખરીદવા અને તેની સાથે મોજા, ટોપી, વગેરે જરૂર લેવા.

(9:28 am IST)