Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

રશિયા-યુક્રેન યુધ્‍ધમાં ૬૦,૦૦૦ રશિયન સૈનિકોના મોત : ૨૩૦૦ ટેન્‍ક નાશ પામી !

યુધ્‍ધ દરમિયાન ઘણા રશિયન ફાઇટર પ્‍લેન, સેંકડો હેલિકોપ્‍ટર, મિસાઇલ સિસ્‍ટમ, હજારો બખ્‍તરબંધ વાહનો પણ નષ્‍ટ થઇ ગયા છે

કિવ,તા. ૩ : રશિયા-યુક્રેન યુદ્ધમાં અત્‍યાર સુધીમાં ૬૦,૦૦૦થી વધુ રશિયન સૈનિકો માર્યા ગયા છે, જયારે ૨,૩૦૦થી વધુ ટેન્‍ક નાશ પામી છે. જેમાંથી માત્ર ૨૪ કલાકમાં ૫૦૦ રશિયન સૈનિકોએ જીવ ગુમાવ્‍યા. આ આંકડા યુક્રેનિયન સંરક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્‍યા છે, જેની સત્‍યતાની પુષ્ટિ થઈ નથી. દરમિયાન, એક દિવસ પહેલા, યુક્રેનની સેનાએ ડોનબાસમાં લીમેન શહેરને રશિયન કબજામાંથી મુક્‍ત કરાવ્‍યું છે. જોકે, રશિયાનો દાવો છે કે તેણે જાણી જોઈને તેના સૈનિકોને પાછળ બોલાવ્‍યા છે. લીમેન પૂર્વ યુક્રેનમાં રશિયન લશ્‍કરી કાર્યવાહીનો ગઢ હતો. આ શહેરમાંથી યુક્રેનમાં તૈનાત રશિયન સૈનિકોને શસ્ત્રો, દારૂગોળો અને લોજિસ્‍ટિક્‍સ સપ્‍લાય કરવામાં આવતા હતા. યુક્રેન દ્વારા લીમેનના કબજેથી રશિયાના કબજા હેઠળના ડોનબાસને પણ ખતરો છે.

યુક્રેનની સશષા દળો અનુસાર યુદ્ધમાં માર્યા ગયેલા ૬૦૧૧૦ રશિયન સૈનિકોમાંથી ૫૦૦ છેલ્લા ૨૪ કલાકમાં મૃત્‍યુ પામ્‍યા છે. તેમાંથી મોટાભાગના ક્રેમેટોર્સ્‍ક અને બખ્‍મુતના પ્રદેશોમાં મૃત્‍યુ પામ્‍યા હતા. યુક્રેનિયન સૈન્‍યનો દાવો છે કે અત્‍યાર સુધીમાં ૨,૩૭૭ રશિયન ટેન્‍કોનો નાશ કરવામાં આવ્‍યો છે. તેમણે કહ્યું કે યુદ્ધ દરમિયાન ઘણા રશિયન ફાઈટર પ્‍લેન, સેંકડો હેલિકોપ્‍ટર, મિસાઈલ સિસ્‍ટમ, હજારો બખ્‍તરબંધ વાહનો પણ નષ્ટ થઈ ગયા છે. યુક્રેનિયન સૈન્‍યએ કહ્યું કે રશિયન સૈનિકોને તેમની જમીન પરથી પાછળ ધકેલવામાં આવી રહ્યા છે અને તેમના નિયંત્રણ હેઠળનો સમગ્ર વિસ્‍તાર ટૂંક સમયમાં ખાલી કરવામાં આવશે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્‍સકીએ આજે જાહેરાત કરી હતી કે યુક્રેનના પૂર્વમાં લીમેન શહેરને ફરીથી કબજે કરવામાં આવ્‍યું છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્‍ટમાં કહ્યું કે બપોરે ૧૨:૩૦ વાગ્‍યે લીમેનને સંપૂર્ણ રીતે રશિયાથી મુક્‍ત કરાયું છે. અમારી સેનાનો આભાર! ઝેલેન્‍સકીએ તેમના રાત્રિના સંબોધનમાં કહ્યું હતું કે યુક્રેનિયન ધ્‍વજ પહેલેથી જ લીમેનમાં છે. છેલ્લા અઠવાડિયામાં ડોનબાસમાં વધુ યુક્રેનિયન ધ્‍વજ દેખાઈ રહ્યા છે.

(10:39 am IST)