Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

ખેડૂતોને લગતી માહિતી ગુજરાત સરકાર એકઠી કરી રહી છે

જમીન સુધારણા માટે થતી કાર્યવાહી સપ્‍ટેમ્‍બર સુધીમાં પુરી થવાની શકયતા

ગાંધીનગર : ગુજરાતમાં ખેતી વિષયક ગણના (એગ્રીકલ્ચર સેન્સસ) થવાની હોવાથી રાજ્યના જમીન દફતરને સુધારવા માટે રાજ્યના મહેસૂલ વિભાગે આદેશ કર્યો છે. આ ગણના પાંચ વર્ષ પછી થઇ રહી છે અને રાજ્યના તમામ ગામોના હક્કપત્રકો અદ્યતન કરવાનું કહેવામાં આવ્યું છે. એટલું જ નહીં આ ગણનામાં પ્રત્યેક ખેડૂત ખાતેદારની તમામ વિગતો આવરી લેવામાં આવશે.

એ ઉપરાંત આ ગણનામાં નિયમાનુસાર ફેરફાર નોંધ પાડી આ નોંધ પર આધારિત ગામ રેકર્ડ પણ સુધારવાનું થાય છે. ખાસ કરીને ગામ નમૂના નંબર-6માં નોંધ પાડવાની કાર્યવાહી કરવાની રહે છે. સામાન્ય રીતે ખેતી વિષયક ગણના પાંચ વર્ષે કરવામાં આવે છે. આ વખતે 11મી વખત આ ગણના થઇ રહી છે.

પહેલા ભાગમાં પ્રાથમિક લાક્ષણિકતા જેવી કે ખાતેદાર સંખ્યા અને તેમના દ્વારા વિસ્તાર ઓપરેટ થતો હોય તેવા સીમાંત, નાના, અર્ધ મધ્યમ, મધ્યમ અને મોટા જૂથની તમામ પ્રકારની માહિતી એકત્ર કરવાની થાય છે. આ ડેટા સપ્ટેમ્બરના અંત સુધીમાં પૂર્ણ કરવાનો થાય છે.

બીજા ભાગમાં ખાતેદારની પાયાની વિગતો જેવી કે જમીનનો ઉપયોગ, સિંચાઇની સ્થિતિ, ભાડૂઆત અને પાક પદ્ધતિને આવરી લેવામાં આવી છે. આ ડેટા સપ્ટેમ્બર 2022 સુધીમાં એકત્ર કરવાનો થાય છે,

જ્યારે ત્રીજો ભાગ ઇનપુટ સર્વે છે. જેનો સર્વે ખેતી વિષયક ગણનાના આગામી ખેતી વર્ષને સંદર્ભ ગણીને કરવાનો થાય છે. આ સર્વેમાં ખાતેદારની ઇનપુટ વપરાશની પદ્ધતિ જેવી કે ખાતર, પિયત, બિયારણ, જીવાત નિયંત્રણ, ખેત ધિરાણ, ઘરનું કદ, ઉંમર, ખાતેદારનું શૈક્ષણિક સ્તર અને બહુવિધ પાકને ધ્યાને લેવામાં આવશે.

ઇનપુટ સર્વેમાં સંસ્થાકીય ખાતેદાર કે જે ગામમાં રહેતા ન હોય તેમની વિગતો એકત્ર કરવાની રહેતી નથી. આ સર્વેનું સંદર્ભ વર્ષ 2022-23 ગણી જુલાઇ 2023 થી સપ્ટેમ્બર 2023 સુધીમાં ડેટા એકત્રીકરણ પૂર્ણ કરવાનું થશે.

આ ખેતી વિષયક ગણનામાં સરકારી પડતર જમીન તેમજ ગૌચરને પંચાયતમાં પ્રાપ્ત થતી જમીનોની વિગતો સબંધિત સર્વે નંબરોના ગામ નમૂના નંબર સાત-બારમાં નોંધવામાં આવશે. મહેસૂલ વિભાગે આદેશમાં જણાવ્યું છે કે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારી તેમજ તેમના નિયંત્રણ હેઠલ રહેલા તમામ કર્મચારીઓએ આ કામગીરી સમયસર પૂર્ણ કરવાની રહેશે.

ખેતી વિષયક ગણનાની આ માહતી ખેતીવાડીના વિકાસ કાર્યક્રમના આયોજન અને તેના મૂલ્યાંકન, ખેતીવાડી અર્થશાસ્ત્ર, ખેત ધિરાણ તેમજ વિવિધ સંશોધનોમાં ઉપયોગ કરવામાં આવે છે. આ ગણના મહેસૂલ વિભાગ દ્વારા સંચાલિત 100 ટકા કેન્દ્ર પુરસ્કૃત યોજના છે અને તે દેશભરમાં થાય છે.

(11:02 pm IST)