Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની જેલના ઇતિહાસ અને વર્તમાનની ગાથા -કેદી સુધારણા પ્રવૃત્તિઓ આલેખતા પુસ્તકનું વિમોચન કર્યુ - ગૃહ રાજ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતી : જેલવાસની રોમાંચક વાતો-રસપ્રદ તવારિખ લોકો સુધી પહોચશે - CM રૂપાણી

જેલોના વડા અધિક પોલીસ મહાનિદેશક ડૉ. કે. એલ. એન. રાવ ના પુસ્તક ‘જેલ ઇતિહાસ અને વર્તમાન’થી જેલના ઇતિહાસની આઝાદી જંગના વીરોના : કોવિડ-19 મહામારી દરમ્યાન કેદીઓમાં કોરોના પ્રિવેન્શન-આત્મનિર્ભરતા-કેદીઓની કલ્યાણ પ્રવૃત્તિઓની ઉત્કૃષ્ટતા માટે ગુજરાતને મળેલો સ્કોચ એવોર્ડ મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની જેલોના વડા અધિક પોલીસ મહાનિદેશકને અર્પણ કર્યો

ગાંધીનગર : મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ ગુજરાતની જેલોના ઇતિહાસ અને વર્તમાનની રોમાંચક અને દુર્લભ ગાથા તેમજ કેદી સુધારણા પ્રવૃત્તિઓના આલેખન કરતા પુસ્તકનું ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી  પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતીમાં વિમોચન કર્યુ હતું.

રાજ્યની જેલોના વડા અધિક પોલીસ મહાનિદેશક ડૉ. કે. એલ. એન. રાવ દ્વારા આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે અને તેમાં ગુજરાતની વિવિધ જેલોની કેદી સુધારણા સહિતની અનેક પ્રવૃત્તિઓથી લોકોને સુપેરે પરિચિત કરાવવાનો સ્તુત્ય પ્રયાસ થયો છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ પુસ્તકનું વિમોચન કરતાં સ્પષ્ટ મત વ્યકત કર્યો કે જેલ અંગે જે સામાન્ય માન્યતા અને ધારણાઓ લોકોમાં છે તેની સામે આ પુસ્તક જેલોના મોટા અને રોચક ઇતિહાસ સાથે જેલો એ ગૂનેગારોને સુધારણા માટેનું બહુવિધ પ્રવૃત્તિ કેન્દ્ર બની છે તે વાત લોકોમાં ભલિભાંતિ ઊજાગર કરશે. 
વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, ભગવાન કૃષ્ણનો જન્મ પણ જેલમાં થયો હતો. એટલું જ નહિ, આઝાદી કાળ દરમ્યાન અનેક નેતાઓએ જેલવાસના સમયનો સદુપયોગ કરીને આઝાદી સંગ્રામ માટે કેપેસિટી બિલ્ડીંગ કર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ વીર સાવરકરે આંદામાન નિકોબારની સેલ્યુલર જેલમાં કારાવાસ દરમ્યાન રાષ્ટ્રપ્રેમ સભર કવિતાઓની રચના કરી જન-જનમાં આઝાદીની લડતનો ઇતિહાસ ગૂંજતો કર્યો હતો તેનું પણ આ સંદર્ભમાં સ્મરણ કર્યુ હતું.

તેમણે ઉમેર્યુ કે, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ જેમ ગામડે-ગામડે, નેસડે-નેસડે ફરીની લોકકથાઓ-લોકસાહિત્યનું પૃથ્થકરણ કરીને એકત્ર કર્યા હતા તે જ પરિપાટીએ જેલની વાતોમાં પણ ઇતિહાસ રોમાંચને ઊજાગર કરવાની સંભાવનાઓ પડેલી છે તે ઊજાગર થવી જોઇએ.

આવી વાતોને પુસ્તક સ્વરૂપે વધુ સંકલીત કરીને લોકો સમક્ષ મુકાય તો સંશોધનકારો માટે ઉપયોગી થશે તેમજ જેલોના વાતાવરણ, જેલર અને જેલ સ્ટાફની કામગીરીને વધુ સમાજોપયોગી બનાવવામાં નવી દિશા મળશે તેવી અપેક્ષા મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કરી હતી.

કોરોના મહામારી દરમ્યાન કેદીઓમાં કોરોના પ્રિવેન્શન, માસ્ક-સેનિટાઇઝરના સ્વયં ઉત્પાદનથી આત્મનિર્ભરતા અને કોમ્યુનિકેશન નેટવર્ક અને કેદી સુધારણા પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટતા અંગેનો પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડ દેશમાં એકમાત્ર ગુજરાતને મળ્યો છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ સ્કોચ એવોર્ડ સર્ટીફિકેટ પણ આ અવસરે રાજ્યની જેલોના વડા અધિક પોલીસ મહાનિદેશક ડૉ. કે. એલ. એન.રાવને અર્પણ કર્યો હતો.

આ વિમોચન વેળાએ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ  પંકજકુમાર, અમદાવાદ સેન્ટ્રલ જેલના સુપ્રિટેન્ડન્ટ રોહન આનંદ, પ્રિન્સીપાલ  લોહાર સહિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થતિ રહ્યા હતા. જેલોના વડા અને એડીશનલ ડિરેકટર જનરલ ઓફ પોલીસ  કે. એલ. એન. રાવે પ્રારંભમાં પુસ્તકની પ્રસ્તાવના આપી મુખ્યમંત્રીશ્રી, ગૃહ રાજ્યમંત્રીનું સ્વાગત કર્યુ હતું.

(7:45 pm IST)