Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

સાબરમતી સેન્ટ્રલ જેલમાં ચેતન બેટરીની હત્યા કરનાર ગોવા રબારીની ક્રાઇમ બ્રાન્ચે અપહરણ તેમજ ખંડણી માગવાના ગુનામાં ધરપકડ કરી

અમદાવાદની સેન્ટ્રલ જેલ સહિત ગુજરાતની તમામ જેલના કેદીઓ પર પોતાની ધાક જમાવીને બે દાયકા સુધી રાજ કરનાર ગોવા રબારી હાલ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં આવી ગયો

અમદાવાદઃ પોલીસ જ્યારે નાના મોટા ગુનેગારોને પકડીને જેલમાં ધકેલી દેતી હોય છે ત્યારે લોકોનાં મનમાં એક એવો ભ્રમ પેદા થાય છે કે સમાજમાંથી એક દૂષણ ઓછું થયું પરંતુ તેવું હોતું નથી, કારણ કે ગુનેગારો જેલના સળિયા પાછળ રહીને બિનધાસ્ત પોતાનાં ગુનાહિત સામ્રાજ્યને ચલાવે છે. જેમાં કેટલાક ભ્રષ્ટ જેલના અધિકારીઓ પણ સામેલ હોય છે. અમદાવાદની સેન્ટ્રલ જેલ સહિત ગુજરાતની તમામ જેલના કેદીઓ પર પોતાની ધાક જમાવીને બે દાયકા સુધી રાજ કરનાર ગોવા રબારી હાલ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં આવી ગયો છે. જેણે ભૂજની જેલમાં રહીને અમદાવાદના એક જમીન દલાલનું અપહરણ કરાવ્યું હતું અને એક કરોડ રૂપિયાની ખંડણી માગી હતી. 

ખંડણીના નેટવર્કનો પર્દાફાશ 
સાબરમતી સેન્ટ્રલ જેલમાં ચેતન બેટરીની હત્યા કરનાર ગોવા રબારીની ક્રાઇમ બ્રાન્ચે અપહરણ તેમજ ખંડણી માગવાના ગુનામાં ધરપકડ કરી છે. ૧૭ ફેબ્રુઆરીના રોજ કેડિલા બ્રિજ પાસેથી જમીન દલાલ કરણ ભટ્ટનું અપહરણ કર્યું હતું અને અપહરણ કર્યા બાદ અલગ અલગ જગ્યાએ ગોંધી રાખી એક કરોડની ખંડણી માગી હતી. આ કેસમાં ગોવા રબારીના સાગરીતોએ ૩૬ તોલા સોનાની ચેઈન લૂંટી લઈ ગોવા રબારીના ઘરે છુપાવી રાખી હતી. ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં ૧૧ આરોપીઓની ધરપકડ કરતાં લાખો રૂપિયાની સોનાની ચેઇન પણ ગોવા રબારીની પત્ની પાસેથી કબજે કરી હતી. 

જેલ બની ગુનાખોરીનું હબ’ 
બાદમાં જમીન દલાલ અને વેપારીને ધમકાવી રૂપિયા પડાવી ખંડણી ગેંગના મુખ્ય સૂત્રધાર તરીકે ગોવા રબારીનું નામ સામે આવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એચ.એમ.વ્યાસે તેની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે. ભૂજની જેલમાં રહીને ગોવા રબારી ગુજરાતની તમામ જેલમાં રહેલા કુખ્યાત ગુનેગારોને કંટ્રોલ કરી રહ્યો છે અને તેમની પાસે ધારે તેવાં કામ કરાવી રહ્યો છે. 
વિશાલ ગોસ્વામી તેમજ શિવા મહાલિંગમે જેલમાં સામ્રાજ્ય ઊભું કર્યું
સાબરમતી સેન્ટ્રલ જેલ ગુનેગારોની નગરી કહેવામાં આવે છે તે સાબિત કરતા બે   કિસ્સા ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયા છે. નિરમા ઇન્ડસ્ટ્રીઝના માલિક અને જાણીતા ઉદ્યોગપતિ કરસનભાઇ પટેલના એસ.જી.હાઇવે સ્થિત મકાનમાં લૂંટના ઇરાદે ધાડ પાડનાર ખૂનખાર અપરાધી મહાલિંગમ ઉર્ફે શિવાએ સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી જુહાપુરાની નામચીન વ્યકિતની હત્યા કરવા માટે બે યુવકોને સોપારી આપી હતી.

(6:07 pm IST)