Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

ગાંધીનગર હિટ એન્ડ રનની ઘટના

કાળા કલરની વેગન આર કાર નંબર (GJ01HK2708) ના ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી વૃદ્ધને ટક્કર મારતા મોત

ઘરેથી શાક લેવા નીકળ્યા બાદ અડધો કલાકમાં જ મોત થયાના સમાચાર મળતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યુ

ગાંધીનગરઃ ગાંધીનગરના બોરીજ ખાતે રહેતા અને મુખ્યમંત્રીનાં આવાસમાં નોકરી કરતા યુવાનને તેના પિતા ઘરેથી શાક માર્કેટ જવા નીકળ્યાનાં અડધો કલાકમાં જ કારની ટક્કરથી મોત થયાના સમાચાર મળતાં પરિવાર પર આભ તૂટી પડયું હતું. આ અંગે સેકટર 21 પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગાંધીનગરના બોરીજ ગામે ઠાકોરવાસમાં રહેતા મુકેશભાઈ ઠાકોર અને પરિવારમાં પત્ની સોનલબેન દીકરો કિશન તેમજ પિતા દશરથજી બેચરજી ઠાકોર અને માતા ચંપાબેન છે. મુકેશભાઈ મંત્રી વિસ્તારમાં આવેલા મુખ્યમંત્રીના નિવાસ્થાને કોન્ટ્રાક્ટ બેઝ પર ઓફિસ વર્ક તરીકેની નોકરી કરે છે.

ગઈકાલે રાત્રિના આઠ વાગ્યાના અરસામાં તેમના 50 વર્ષીય પિતા બેચરજી સેક્ટર 21 શાક માર્કેટ જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા ત્યારે માત્ર 25 મિનિટના ગાળામાં જ તેમના ઓળખીતા હંસાબેન મુકેશભાઈ ઠાકોરે ફોન કરીને જણાવ્યું હતું કે તમારા પિતાનો બોરીજ પાસે જ રોડ પર જૈન દેરાસર નજીક કારની ટક્કરથી અકસ્માત થયો છે.

આ સાંભળી મૂકેશ ઠાકોર પરિવારના અન્ય સભ્યો સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. જ્યાં તેમના પિતાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી સ્થળ પર જ મોત થયાનું માલુમ પડયું હતું. ત્યારે સ્થળ પરથી મૂકેશ ભાઈને જાણવા મળ્યું હતું કે, કાળા કલરની વેગન આર કાર નંબર (GJ01HK2708) ના ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી તેમનાં પિતાને ટક્કર મારી નાસી ગયો છે.

આ બનાવની જાણ થતાં સેકટર 21 પોલીસ સ્થળ પર દોડી આવી હતી. અને જરૂરી તપાસ હાથ ધરી અકસ્માત કરી બેચરજીનું મોત નિપજાવનાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

(6:06 pm IST)