Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

આણંદ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 75 હજારની રોકડ સાથે 74 શકુનિઓને ઝડપી પાડયા

આણંદ:જિલ્લામાં વીતેલા ૨૪ કલાક દરમ્યાન ખડોધી, નાવલી, અંબાવ, આસરમા, ખંભાત, ખડોલ, નગરા, કણઝટ, વલ્લી, બાકરોલ, રામપુરા, દહેવાણમાં તીન પત્તીનો જુગાર રમતાં ૭૪ જેટલા શખ્સોને ઝડપી પાડ્યા હતા. જ્યારે ચાર શખ્સો ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. પોલીસે તેઓની પાસેથી ૭૫ હજાર ઉપરાંતની રોકડ રકમ જપ્ત કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

ખડોધી ખંભાત રૂરલ પોલીસે ખડોધી ગામના છલીપુરા સીમ વિસ્તારમાં ગઈકાલે રાત્રીના સુમારે છાપો મારીને જુગાર રમતાં રામસંગભાઈ બનેસંગ ચૌહાણ, મહેન્દ્રભાઈ ઉર્ફે અકો માનસંગભાઈ પરમાર, રણજીતસિંહ ઉદેસિંહ પરમાર, રાજેશભાઈ અમરસિંહ પરમાર અને ચન્દ્રસિંહ શનાભાઈ ચૌહાણને ઝડપી પાડીને તેમની પાસેથી રોકડા ૧૫૭૬૦ જપ્ત કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. નાવલી આણંદ રૂરલ પોલીસે નાવલી ગામની ઈન્દિરાનગરીમાં છાપો મારીને કલ્પેશભાઈ ઉર્ફે કલો રમેશભાઈ ચૌહાણ અને અનવરશા ઉર્ફે મકબુલ રમઝાનશા દિવાનને ઝડપી પાડ્યા હતા. જ્યારે અમિત ભલુભાઈ ઠાકોર, સંજયભાઈ કિરિટભાઈ ઠાકોર, અજયભાઈ ઉર્ફે વાંઢો અને અશોક અંબાલાલ ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. પોલીસે પકડાયેલા શખ્સોની અંગજડતી અને દાવ પરથી કુલ ૨૨૪૦ની રોકડ રકમ મળી આવતાં તે જપ્ત કરવામાં આવી હતી. અંબાવ આંકલાવ તાલુકાના અંબાવ ગામના છાછરીયાપુરા પ્રાથમિક શાળાની ખુલ્લી જગ્યામાં પોલીસે દરોડો પાડીને અલ્પેશભાઈ રાવજીભાઈ પઢિયાર, અશ્વિનભાઈ ભીખાભાઈ પઢિયાર, હિતેશભાઈ ચીમનભાઈ પઢિયાર અને રમેશભાઈ જશભાઈ પઢિયારને ઝડપી પાડીને તેમની પાસે થઈ રોકડા ૩૨૭૦ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી હતી. આસરમા આંકલાવ પોલીસે આસરમા ગામે આવેલા પેટ્રોલપંપ સામેની નળીમાં જુગાર રમતાં ગણપત ઉર્ફે ભગો રાયસીંગભાઈ ચૌહાણ, વિક્રમભાઈ ભીખાભાઈ સોલંકી અને જગદીશભાઈ મહિજીભાઈ પરમારને ઝડપી પાડીને તેમની પાસેથી રોકડા ૧૬૮૦ જપ્ત કર્યા હતા.

(4:59 pm IST)