Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

બોરસદ તાલુકાના ગોરેલ ગામની સીમમાં આધેડ મહિલાને અજાણ્યા શખ્સોએ લાકડીથી ઢોરમાર મારતા પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી

બોરસદ:તાલુકાના ગોરેલ ગામની સીમમાં રહેતા એક આધેડ મહિલાને ગત ૨૩મી તારીખના રોજ રાત્રીના સાડા અગિયાર વાગ્યાના સુમારે કોઈ અજાણ્યા શખ્સોએ લાકડીથી માર મારીને ફ્રેક્ચર કરી નાંખતા આ અંગે વિરસદ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. ફરિયાદી ઉષાબેન ભીખાભાઈ પટેલ (ઉ. વ. ૫૭)ગત ૨૩મી તારીખના રોજ રાત્રીના સુમારે પોતાના ઘર આગળ આવેલા ભેંસોના અડારા પાસે મચ્છરદાની બાંધીને સુઈ ગયા હતા. દરમ્યાન સાડા અગિયાર વાગ્યાના સુમારે કોઈ અજાણ્યો શખ્સ આવી ચઢ્યો હતો અને લાકડીઓથી માર મારવા લાગ્યો હતો. જેથી તેણીએ બૂમાબૂમ કરતા આ શખ્સ લાકડાનો ડંડો મુકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આસપાસના લોકો ઉંઘમાંથી ઉઠીને આવી પહોંચ્યા હતા અને ઘવાયેલા ઉષાબેનને સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર અજાણ્યા શખ્સે શરીર ઉપર તેલ ચોપડ્યું હતુ અને માત્ર પેન્ટ જ પહેર્યું હતુ. મજબુત બાંધાનો આ શખ્સ ૩૫ વર્ષની ઉંમરનો હતો. જેથી એવું અનુમાન લગાવાઈ રહ્યું છે કે, ચોરી કરવાના ઈરાદે આ શખ્સ આવ્યો હશે અને મહિલા જાગી જતાં તેને માર મારીને ફરાર થઈ ગયો હશે.

(4:58 pm IST)