Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

વલસાડના ઉમરગામમાં આભ ફાટ્યું: 12 ઇંચ વરસાદથી સર્વત્ર જળબંબોળ

અનરાધાર વરસાદ ખાબકતાં વાપી અને ઉમરગામ તાલુકામાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા : વાપીમાં 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો: જિલ્લા કલેક્ટર સહિત વહીવટી તંત્ર પણ અલર્ટ બન્યું

વલસાડ: વલસાડ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે. ઘણા લાબાં વિરામબાદ મેઘરાજા વરસતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. ગત મોડી રાત્રે શરૂ થયેલા ધોધમાર વરસાદ સવાર સુધી ચાલુ રહ્યો હતો. છેલ્લા 12 કલાકમાં જિલ્લામાં સૌથી વધુ ઉમરગામ તાલુકામાં 12 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે, જ્યારે વાપીમાં 6 ઈંચ, પારડીમાં 2 ઈંચ, કપરાડામાં 3 ઈંચ અને વલસાડમાં પોણા બે ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે.

રાજયમાં થોડા દિવસના વિરામ બાદ મેઘરાજાની ગાજવીજ સાથે ધમાકેદાર એન્ટ્રી થતાં ખેડૂતોમાં આનંદની લહેર ફરી વળી છે. કાચું સોનું ખેતરમાં વરસરતા જોઈને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. એકસાથે વરસાદ ખાબકતાં વાપી અને ઉમરગામ તાલુકામાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. એના નિકાલની લાઈન બ્લોક થતાં પાણીનો ભરાવો થયો હતો, જેને લઈને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.ઉમરગામ તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો.

વલસાડ જિલ્લાના ઉમરગામમાં 12 કલાકમાં 12 ઈંચ જેટલો વરસાદ વરસી જતા જળબંબાકારની સ્થિતી સર્જાઈ છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં પાણી ભરાયા છે.જેના કારણે કલેકટર શ્રીપ્રા આગરે અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચી રાહત અને બચાવ કામગીરી માટે અધિકારીઓને જરુરી સૂચનાઓ આપી હતી.

વલસાડ જિલ્લામાં સૌથી વધુ ઉમરગામ તાલુકામાં છેલ્લા 12 કલાક દરમિયાન 12 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતા તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 366 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામા આવ્યું છે. જિલ્લામાં ભારે વરસાદની આગાહી હોય લોકોને સલામત સ્થળે જ રહેવા માટે કલેકટર દ્વારા અપીલ કરવામા આવી છે.

(5:15 pm IST)