Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

વિરમગામ સહિત અમદાવાદ જીલ્લામાં કૃષ્ણ જન્મના વધામણા, રાત્રે 12 વાગે મંદિરો હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી નાદથી ગુંજી ઉઠ્યા

ભક્તોએ ભગવાન કૃષ્ણને પારણામાં ઝુલાવી ધન્યતા અનુભવી અને પંજરીનો પ્રસાદ ગ્રહણ કર્યો

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ :જન્માષ્ટમીના તહેવારનું વિરમગામ શહેર સહિત અમદાવાદ જીલ્લામા અનેરૂ મહત્વ  છે. જન્માષ્ટમીના પર્વ પર લોકો કૃષ્ણ ભક્તિના રંગે રંગાઇ ગયા હોય એમ દિવસભર મંદિરોમાં ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો. કૃષ્ણ મંદિરોનો નજારો અલૌકિક લાગી રહ્યો હતો. મંદિરને ભક્તો દ્વારા વિવિધ ફૂલો તથા રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યાં હતાં. જન્માષ્ટમીએ રાત્રે 12 વાગે કૃષ્ણ જન્મના વધામણા કરવામાં આવ્યા હતા અને નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલ લાલ કી, હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી, જયશ્રી કૃષ્ણના નાદથી વિરમગામના મંદિરો ગુંજી ઉઠ્યા હતા. વિરમગામ ઐતિહાસિક રામ મહેલ મંદિરમાં કૃષ્ણજન્મ ઉજવણી કરી જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. કૃષ્ણ જન્મના વધામણાની ઉજવણી માટે ભક્તો જોવાં મળ્યાં હતાં. પરંપરા મુજબની નંદોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. વિરમગામના પ્રસિદ્ધ સિધ્ધનાથ મહાદેવ મંદિરમાં પરંપરાગત રીતે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત વિરમગામમાં અનેક લોકોએ પોતાના ઘરે જ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી હતી.
    શ્રાવણ વદ નોમનું પણ જન્માષ્ટમી જેટલું જ મહત્વ હોય છે. રાત્રે કૃષ્ણજન્મની ઉજવણી બાદ ભાવિકો ભક્તોએ નોમના દિવસે બાલકૃષ્ણને પારણામાં ઝુલાવવા મંદિરોમાં પહોંચ્યા હતા. વહેલી સવારથી જ ભક્તોએ ભગવાન કૃષ્ણને પારણામાં ઝુલાવી ધન્યતા અનુભવી હતી અને પંજરીનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

(2:46 pm IST)