Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

ગુજરાત યુનિ.માં રજાના દિવસે યોજાયો ભાજપનો કાર્યક્રમ:વિદ્યાર્થી સેનાનો વિરોધ

પરીક્ષામાં નાપાસ થવાની બીક બતાવીને ભાજપના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે દબાણ કરતા હોવાનો આક્ષેપ

અમદાવાદ : જાહેર રજાના દિવસે ગુજરાત યુનિવર્સિટીમાં ભાજપના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત યુનિવર્સિટીના ઝૂલોજી ડિપાર્ટમેન્ટમાં ભાજપનો કાર્યક્રમ રજાના દિવસે યોજાયો હોવાના કારણે એક વિવાદ થયો છે. આ બાબતે વિદ્યાર્થી સેનાએ યુનિવર્સિટીને રજૂઆત કરવા બાબતે જણાવ્યું છે અને કહ્યું છે કે આ પ્રકારે રાજકીય કોઇ પણ પક્ષના કાર્યક્રમ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટમાં ન યોજવામાં આવે. તો બીજી તરફ વિદ્યાર્થી સેનાનો આક્ષેપ છે કે, ભાજપના નેતા દ્વારા યુનિવર્સિટીના વિધાર્થી અને કર્મચારીઓને જોર જબરદસ્તીથી પરીક્ષામાં નાપાસ થવાની બીક બતાવીને ભાજપના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે દબાણ કર્યું હતું.

રિપોર્ટ અનુસાર ગુજરાત યુનિવર્સિટીના વિભાગમાં રવિવારે જાહેર રજાના દિવસે ભાજપના નેતા પ્રદીપસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં એક કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમના ફોટાઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વિવાદ થયો હતો. આ કાર્યક્રમમાં સામાજિક અંતર અને માસ્કના નિયમોનો પણ ભંગ જોવા મળ્યો હતો. કાર્યક્રમના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હોવાના કારણે વિવાદ થયો છે અને આ મામલે વિદ્યાર્થીએ સેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં યુનિવર્સિટીના વિરોધમાં આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

જોકે આ મામલાને લઈને વિદ્યાર્થી સેનાના વિષ્ણુ દેસાઈ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટીના શૈક્ષણિક સંકુલમાં ભાજપ દ્વારા રાજકીય કાર્યક્રમ કરીને વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને જબરજસ્તીથી ધાક-ધમકી આપીને પરીક્ષામાં નાપાસ કરાવવાની બીક બતાવી કાર્યક્રમમાં હાજર રહેવા માટેની ફરજ પાડી હતી અને આ મામલે હવે વિદ્યાર્થી સેના દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં રજૂઆત કરવામાં આવશે અને વિદ્યાર્થી સેનાએ યુનિવર્સિટી સામે ચીમકી ઉચ્ચારી છે કે, આવો રાજકીય કાર્યક્રમો ફરીથી યુનિવર્સિટીમાં યોજાશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

(2:42 pm IST)