Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

ગુજરાતમાં પાંચ દિવસ મેઘરાજાની દેધનાધન સવારીઃ કાલે ૧ સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર- કચ્છમાં ભારે તો દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડશે

તા.૩ થી તા.૧૦ સપ્ટેમ્બર દરમ્યાન પણ રાજયના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી કરતું હવામાન ખાતુ

અમદાવાદઃ રાજયના ખેડૂતોને રાહત આપતા સમાચાર સામે આવ્યા છે. આજથી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આજથી ત્રણ સપ્ટેંબર સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. જે પ્રમાણે કાલે સૌરાષ્ટ્ર- કચ્છમાં ભારે વરસાદ રહેશે. તો દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વરસશે.

બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ્સ સક્રિય થઈ

ગુજરાતમાં વરસાદ ખેંચાતા દુષ્કાળના ડાકલા વાગી રહ્નાં છે. વરસાદ નહીં થતાં ખેડૂતોની હાલત કફોડી થઈ છે. તેમજ વરસાદ ન પડવાથી ગરમીનું પ્રમાણ વધ્યું છે. તેવામાં હાલમાં બંગાળની ખાડીમાં સક્રીય થયેલા લો -પ્રેશરની અસરોથી સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયા દરમિયાન વરસાદી ઝાપટાથી લઇને ૧થી ૩ ઇંચ હળવોથી મધ્યમ વરસાદ પડવાની શકયતા છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી ચાર દિવસમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે.

ખેડૂતોના પાક સુકાઈ રહ્ના છે

સૌરષ્ટ્રમાં લાંબા સમયથી વરસાદ ખેંચાતા ચોમાસુ પાક સુકાઈ રહયો છે ત્યારે  સૌરાષ્ટ્રમાં ફરી ચોમાસુ સક્રિય થાય તેવા સંકેતો હવામાન વિભાગે આપ્યા છે. ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્રનાં કેટલાક ભાગોમાં હળવા ભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે. ગુજરાતમાં સુસ્ત રહેલું ચોમાસુ ફરી સક્રિય થવાના સંજોગો  વધુ ઉજળા બન્યા છે. વરસાદની ગતિવિધિઓ ખાસ કરીને દક્ષિણ,ઉત્તર ગુજરાતમાં વધશે અને આજે તેમજ  સપ્ટેમ્બર ઍટલે કે મંગળવાર અને બુધવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં તથા ગુજરાતમાં છૂટાછવાયા સ્થળે તીવ્ર પવન વંટોળિયા સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે.

સરેરાશ કરતા ઓછો વરસાદ

ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો માત્ર ૧૪ ટકા વરસાદ નોંધાયો છે, આમ સમગ્ર ચોમાસાની સિઝનના કુલ ઍવરેજ વરસાદની સરખામણીઍ હજુ ૫૮ ટકા વરસાદની ઘટ છે. મહત્વનું છે કે, છેલ્લા બે વર્ષથી ઓગસ્ટ માસમાં ધોધમાર વરસાદ વરસવાનો સિલસિલો આ વર્ષે જળવાયો નથી. આ વખતે ઓગસ્ટના ૨૮ દિવસમાં માત્ર ૨ ઈંચ જ વરસાદ વરસ્યો છે જેની સામે ગત વર્ષે ૨૨ ઈંચ જેટલો વરસાદ ખાબકયો હતો. વર્ષ-૨૦૧૯માં પણ ૧૭.૨૯ ઈંચ જેટલો વરસાદ માત્ર ઓગસ્ટ માસમાં જ વરસ્યો હતો.

આગાહીથી રાહત મળશે

રાજ્યમાં ૩૧મી ઓગસ્ટ બાદ પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નવસારી વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં આણંદ અને ભરૂચમાં અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત ખેડા, વડોદરા, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ થઈ શકે છે. પહેલી સપ્ટેમ્બરના રોજ રાજ્યના ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, રાજકોટ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ ૩ થી ૧૦ સપ્ટેમ્બરની વચ્ચે રાજયના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે.

(12:51 pm IST)