Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

વિવિધ શહેરોના ઇસ્કોન મંદિરથી માંડીને દરેક વિસ્તારનાં કૃષ્ણ મંદિરોમાં માત્ર નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના નાદથી ગુંઝી ઉઠ્યાઃ સમગ્ર ગુજરાત બન્યુ કૃષ્‍ણમય

દ્વારકાના જગત મંદિરને લાઇટિંગથી શણગારવામાં આવ્યું હતુંઃ 12 વાગતાની સાથેજ ભક્તો જય રણછોડ માખણ ચોર અને નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીના નાદ સાથે ગુંઝી ઉઠ્યો હતોઃ સર્વ ભક્તોએ હર્ષોલ્લાસ સાથે જન્મદિવસની ઉજવણી કરી હતીઃ ચોકલેટ, માખણ, મિશ્રી લાડુડીઓ ઉછાળવામાં આવી હતી. ભક્તો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી

અમદાવાદ : ગુજરાતમાં જન્માષ્ટમીને ધ્યાને રાખીને આજનો દિવસ શ્રીકૃષ્ણમય રહ્યો હતો. આજના દિવસ દ્વારકા હોય, ડાકોર હોય કે શામળાજી હોય ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. ઉપરાંત વિવિધ શહેરોના ઇસ્કોન મંદિરથી માંડીને દરેક વિસ્તારનાં કૃષ્ણ મંદિરોમાં માત્ર નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના નાદથી ગુંઝી ઉઠ્યા હતા. મોટા પ્રમાણમાં ભાવિક ભક્તોએ પોતાની શ્રદ્ધા અનુસાર લાલાના દર્શન કર્યા હતા અને જન્મોત્સવના સાક્ષી બન્યા હતા

અમદાવાદના ઇસ્કોન મંદિર ખાતે પણ ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ઇસ્કોન મંદિર ખાતે અમિત શાહ પણ દર્શન કરવા માટે પહોંચ્યા હતા. જેથી ઇસ્કોન મંદિર ખાતે ભારે ચાકચોબંધ વ્યવસ્થા કરવામાં આવી હતી. એક તરફ ભક્તોનું ઘોડાપુર તો બીજી તરફ વીઆઇપી બંદોબસ્ત. શ્રીકૃષ્ણ ભગવાનનો જન્મ થઇ રહ્યો હોય અને અમદાવાદીઓ કાબુમાં રહી શકે નહી

દ્વારકા જગતમંદિર સોળેશણગાર સજીને લાલાની રાહ જોઇ રહ્યું હતું. સમગ્ર જગત મંદિરને લાઇટિંગથી શણગારવામાં આવ્યું હતું. 12 વાગતાની સાથેજ ભક્તો જય રણછોડ માખણ ચોર અને નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીના નાદ સાથે ગુંઝી ઉઠ્યો હતો. સર્વ ભક્તોએ હર્ષોલ્લાસ સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી. ચોકલેટ, માખણ, મિશ્રી લાડુડીઓ ઉછાળવામાં આવી હતી. ભક્તો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી

ડાકોરના મંદિર ખાતે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાળીયા ઠાકરને તમામ પ્રકારે શણગાર સજવામાં આવ્યો હતો. 12 વાગતાની સાથેજ ફરી એકવાર ભક્તો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે વહેલી સવારથી ભક્તોની ભીડ ઉમટી પડી હતી

શામળાજીના દર્શન કરવા માટે પણ મોટા પ્રમાણમાં ભક્તો ઉમટી પડ્યાં હતા. શામળીયા શેઠના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. અત્રે નોંધનીય છે કે, શામળાજી એક માત્ર એવું મંદિર છે જ્યાં કૃષ્ણભગવાને સમગ્રભાલ તિલક કરવામાં આવે છે. શામળીયા શેઠના દર્શન કરવા માટે માત્ર ગુજરાત પરંતુ રાજસ્થાન બોર્ડર પરથી પણ મોટા પ્રમાણમાં ભક્તો ઉમટી પડ્યાં હતા.

(11:22 am IST)