Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

આનંદો… આગામી ચાર દિવસ સાર્વત્રિક વરસાદની શક્યતાઃ હવામાન ખાતાની આગાહી

છેલ્લા ૨૪ કલાકમાં ૧પપ તાલુકામાં વરસાદ નોંધાયોઃ પાંચ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ તો ૧૮ તાલુકામાં ૧ ઇંચથી વધુ વરસાદ નોંધાયો

ગાંધીનગરઃ રાજ્યમાં ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. જન્માષ્ટમીના દિવસે મેઘરાજાની ફરી પધરામણી થઈ છે. રાજ્યમાં ફરી વરસાદ થતા ખેડૂતોના પાકને નવજીવન મળ્યું છે. તો રાજ્યના હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ચાર દિવસ સાર્વત્રિક વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થઈ શકે છે. છેલ્લા 24 કલાકમાં 155 તાલુકામાં વરસાદ નોંધાયો છે. પાંચ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ થયો છે. તો 18 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ થયો છે. આજે સવારે 6થી 8 કલાક સુધીમાં 25 તાલુકામાં વરસાદ થયો છે

રાજ્યમાં સારા વરસાદની આગાહી
રાજ્યના હવામાન વિભાગની આગાહી પ્રમાણે 31 ઓગસ્ટથી ત્રણ સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહેશે. 1 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ રહેશે. તો દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ થશે. રાજ્યમાં જન્માષ્ટમીના દિવસે એટલે કે સોમવારે, અમદાવાદા, રાજકોટ, વડોદરા, સુરત સહિત અનેક જગ્યાએ સારો વરસાદ થયો હતો. વરસાદને કારણે ખેડૂતોમાં ફરી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે

વિસ્તારમાં થશે વરસાદ
રાજ્યમાં 31મી ઓગસ્ટ બાદ પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નવસારી વલસાડમાં ભારે વરસાદની શક્યતા સેવાઇ રહી છે. રાજ્યમાં આણંદ અને ભરૂચમાં અતિ ભારે વરસાદની આગાહી છે. ઉપરાંત ખેડા, વડોદરા, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ વરસી શકે છે. પહેલી સપ્ટેમ્બરના રોજ રાજ્યના ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, રાજકોટ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ 3 થી 10 સપ્ટેમ્બરની વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

રાજ્યમાં અત્યાર સુધી 43 ટકા વરસાદ
ગુજરાતમાં અત્યાર સુધી ચોમાસાની સીઝન દરમિયાન કુલ 43.14 ટકા વરસાદ થયો છે. રાજ્યમાં 14 તાલુકા એવા છે જેમાં 1000 મીમીથી વધુ વરસાદ થયો છે. 501-1000 મીમી વચ્ચે વરસાદ થયેલા તાલુકાની સંખ્યા 25 છે. તો 251-500 મીમી વરસાદ રાજ્યના 106 તાલુકામાં થયો છે. મહત્વનું છે કે ચોમાસાની અડધી સીઝન પૂરી થયા બાદ પણ રાજ્યમાં હજુ 45 ટકા જેટલા વરસાદની ઘટ છે

(11:18 am IST)