Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

અમદાવાદમાં અનેક વિસ્તારોમાં મેહુલિયો વરસી પડયો: લાંબા વિરામ પછી મહેસાણા જિલ્લામાં પણ મેઘાની મહેર

ઉત્તર ગુજરાતમાં વરસાદનું આગમન: આગામી ચારથી પાંચ દિવસ અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડવાની આગાહી

અમદાવાદ :  ગુજરાતમાં મેઘરાજા લાંબા સમયથી રિસાઈ ગયા છે ત્યારે ગઈ કાલથી અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. અમદાવાદના એસ.જી હાઈવે, ઘાટલોડિયા, વસ્ત્રાપુર, પૂર્વના નરોડા, નિકોલ, કૃષ્ણનગર, એસપી રિંગ રોડ, સરદારનગર, કુબેર નગર, એરપોર્ટ સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ મહેર કરી હતી. સાથોસાથ લાંબા સમયના વિરામ પછી મહેસાણા જિલ્લામાં પણ મોઢેરા, સદુથલા અને મોટપમાં સારો એવો વરસાદ વરસી ગયો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સારો એવો વરસાદ પડ્યો છે. ગુજરાતમાં આગામી ચારથી પાંચ દિવસ સુધી હળવાથી મધ્યમ અને અમુક જગ્યાએ ભારે વરસાદની આગાહી થઈ છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતમાં આજે સવારથી સતત બીજા દિવસે પણ વાદળાઓ છવાયેલા રહ્યા છે અને સુરજદાદાએ દર્શન આપ્યા નથી.

(10:37 am IST)