Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

શાળાના દિવસો ઘટયા હોવાથી અભ્યાસક્રમ પણ ઘટાડવા માટે શાળા સંચાલક મહામંડળની માંગણી

આગામી બીજી સપ્ટેમ્બરથી ધો.6થી 8ની શાળાઓ પણ શરૂ થવાની છે ત્યારે અભ્યાસક્રમ ઘટાડવા ચર્ચાતો મુદ્દો

અમદાવાદ : ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાતાં સરકાર તરફથી તબક્કાવાર શાળાઓ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આગામી બીજી સપ્ટેમ્બરથી ધો.6થી 8ની શાળાઓ પણ શરૂ થવાની છે. આમ અઢી મહિના બાદ શાળાઓ શરૂ થવાની હોવાથી સ્વાભાવિક પણે શાળાના દિવસો ઘટયા છે. તેવા સમયે અભ્યાસક્રમ પુરો કરાવવો મુશ્કેલ છે. જેથી અભ્યાસક્રમનો મુદ્દો શાળા સાથે સંકળાયેલા લોકોમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. જો કે આ અંગે ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે અભ્યાસક્રમ ઘટાડવા માટેની માંગણી કરી છે. આ અંગે સરકારમાં રજૂઆત કરવાના છે.

ગુજરાતમાં મોટાભાગે જૂનના બીજા સપ્તાહથી શાળાઓનું શૈક્ષણિક કાર્ય શરૂ થઇ જાય છે. આ વર્ષે પણ ઓનલાઇન અભ્યાસ શરૂ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ અગાઉ સામાજિક સંસ્થાનો દ્વારા કરાયેલા સર્વેમાં પર્વતીય વિસ્તાર, જંગલ તથા ગ્રામીણ વિસ્તારમાં મોબાઇલ નેટવર્કના કારણે તેમજ ગરીબ વર્ગના બાળકો આર્થિક સ્થિતિના લીધે ઓનલાઇન શિક્ષણનો લાભ લઇ શકતાં નથી. પરિણામે શાળાઓએ શરૂઆતથી જ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવો પડે તેવી સ્થિતિ સર્જાવવાની પુરેપુરી શક્યતા છે.

સામાન્ય રીતે શાળાઓમાં 345 દિવસમાંથી 230 દિવસ શૈક્ષણિક કાર્ય ચાલતુ હોય છે. એક વિષયમાં ઉદાહરણ તરીકે ગુજરાતી વિષયમાં 40 પાઠ હોય તો સરેરાશ પાંચેક દિવસમાં શિક્ષક દ્વારા પાઠ પુરો કરવાનો રહે છે. પરંતુ આ વખતે જૂનથી બીજી સપ્ટેમ્બર વચ્ચેનો સમયગાળો જોઇએ તો અંદાજે ત્રણેક મહિના જેટલો સમય શાળાઓ બંધ રહી છે. જેથી આ 230 દિવસમાંથી 15 જૂનથી 1લી સપ્ટેમ્બર સુધીના 78 જેટલાં દિવસો બાદ કરવામાં આવે તો 152 દિવસ બાકી રહે છે તેવા સમયે સંપૂર્ણ અભ્યાસક્રમ ભણાવવો શિક્ષકો માટે અઘરો સાબિત થાય તેમ હોવાની ચર્ચાઓ શરૂ થઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ધો.1થી8નો અભ્યાસક્રમ જીસીઈઆરટી દ્વારા તૈયાર કરવામાં આવે છે. પરંતુ સરકારે શાળાઓ શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે. પરંતુ હજુ સુધી અભ્યાસક્રમ અંગે કોઇ સ્પષ્ટતા થઇ નહીં હોવાથી આ મુદ્દો શિક્ષણ સાથે સંકળાયેલા લોકોમાં ચર્ચાનો બન્યો છે.

આ અંગે ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું છે કે, પહેલાં ધો.12ની શાળા શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ ધો.9 અને 10ની શાળાઓ શરૂ કરવામાં આવી હતી. હવે આગામી બીજી સપ્ટેમ્બરના રોજ ધો. 6થી 8ની શાળાઓ શરૂ થવાની છે. આમ ત્રણેક મહિના બાદ ધો. 6થી 8ની શાળાઓ શરૂ થવાની છે. ત્યારે મહત્વના વિષયો જેવાં કે ગુજરાતી, ગણિત, સમાજશાસ્ત્ર, અંગ્રેજીમાં અભ્યાસક્રમ ઘટાડવો જરૂરી છે. આ અંગે યોગ્ય પગલાં ભરવા સરકારમાં રજૂઆત કરવામાં આવશે.

(11:46 pm IST)