Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

અમદાવાદમાં શ્રમિક પરિવારને કચડનાર પર્વ શાહ આખી રાત ઉંઘી ન શક્‍યોઃ પરિવાર સાથે માતાજીના દર્શને ગયો હતોઃ પર્વના એક મિત્ર પાર્થને શ્રમિકોએ મેથી પાક પણ ચખાડયો હતો

અમદાવાદ: અદાવાદના બહુચર્ચિત શિવરંજની હિટ એન્ડ રન કેસમાં શ્રમિક પરિવારને કચડનાર આરોપી યુવક પર્વ શાહ ગઈકાલે સાંજે પોલીસ સામે હાજર થયો હતો. પર્વ શાહને ટ્રાફિક પોલીસ દ્વારા આજે બપોર બાદ કોર્ટમાં રજૂ કરાશે. હાલ પર્વ શાહના નિવેદનની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે આ વચ્ચે પર્વ શાહ અને તેના મિત્રોએ આખી રાત કેવી રીતે વિતાવી તેની માહિતી સામે આવી છે.

અકસ્માત બાદ પર્વના મિત્રને લોકોએ માર માર્યો હતો

અકસ્માત બાદ પર્વ અને તેના મિત્રો ક્યાં ક્યાં ગયા તેની માહિતી આવી છે. જેમાં જાણવા મળ્યુ કે, અકસ્માત બાદ પર્વ અને તેના મિત્રો ઘટના સ્થળેથી બીઆરટીએસ રેલિંગ કૂદી નેહરુનગર તરફ ગયા હતા. પર્વના એક મિત્ર પાર્થને ઘટના સ્થળે અકસ્માત બાદ શ્રમિકો દ્વારા માર પડ્યો હતો. તેથી તમામ ત્યાંથી ભાગી ગયા હતા. નહેરુનગર સર્કલ પહોંચ્યા બાદ તમામે પરિવારજનોને ફોન કર્યા હતા.

સવારે ઉઠીને પર્વ પરિવાર સાથે મંદિરે દર્શન કરવા ગયો હતો

આ બાદ પર્વ અને તેના મિત્રો પર્વના પિતાના મિત્ર પ્રકાશભાઈના મીઠાખળી ખાતેના આદિત્ય ફ્લેટ ખાતે ગયા હતા. બાદમાં પર્વ અને તેનો એક મિત્ર પર્વના ફોઈ દીપ્તિબેનના રાજહર્ષ ફ્લેટમાં ગયા હતા અને ત્યાં રોકાયા હતા. પર્વને ઘટનાની રાત્રે ઊંઘ પણ નહોતી આવી. સવારે પર્વ તેના પરિવારજનો સાથે સાણંદ મેલડી માતાના દર્શન કરવા ગયો હતો. પર્વ અને રિષભ બંને મંદિર ગયા બાદ પર્વના માસીના ઘરે ગયા હતા. તેના માસીનું ઘર પાલડીના આગમ ફ્લેટમાં આવેલુ છે. જ્યાં બંને ગયા હતા. બાદમાં પર્વ પોલીસ સમક્ષ હાજર થયો હતો. હાલ પર્વના મિત્રોને નિવેદન માટે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા છે.

મોડી રાત્રે પર્વ શાહની ધરપકડ કરાઈ

અકસ્માત સર્જનાર પર્વ શાહ ગઈકાલે સાંજે પોલીસ સામે હાજર થયો હતો. પોલીસ દ્વારા સૌથી પહેલા તેનો કોરોના રિપોર્ટ કાઢવામા આવ્ય હતો. જે નેગેટીવ આવતાં મોડી રાત્રે તેની ધરપકડ કરાઈ હતી. આજે બપોરે પર્વ શાહને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. હાલ અકસ્માત કેસમાં પર્વ શાહ વિરૂદ્ધ 304 અ મુજબ ગુનો નોંધાયો છે.

(5:11 pm IST)