Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

ઓર્ગેનાઇઝડ ક્રાઇમને ડામવા માટેના કાનૂન ગુજસીટોકને હાઇકોર્ટમાં પડકાર : બે દિવસથી સુનાવણી ચાલુ : કેટલીક જોગવાઇઓ મનસ્વી રીતે ઘુસાડી દીધી

કોઇ એક વ્યકિત વિરૂધ્ધ એકથી વધુ ચાર્જસીટ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલ હોય તો તેની સામે પણ 'ગુજસીટોક' કાનૂન લાગુ કરવામાં આવે છે : ચાર્જશીટ બાદ આરોપી નિર્દોષ મુકત થાય કે આરોપ પડતા મૂકાય તો પણ આ કાયદો લગાડાય છે

અમદાવાદ તા. ૩૦ : રાજ્યમાં સંગઠીત ગુનાખોરીને ડામવા માટે લાગુ કરવામાં આવેલા કાયદા ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એકટ (ગુજસીટોક)ની જોગવાઇઓને પડકારતી સાત જેટલી પિટીશનો ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી છે અને તેની સુનાવણી ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસની બેન્ચ સમક્ષ શરૂ થઇ છે.

રાજ્યમાં સંગઠીત ગુનાખોરી અને ત્રાસવાદની પ્રવૃત્તિને અંકુશમાં લેવા માટે આ કાયદો લાવવામાં આવ્યો હતો અને તેના હેઠળ અનેક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તે પૈકી છ જેટલા આરોપીઓ દ્વારા અલગ-અલગ અરજીઓ ગત વર્ષે હાઇકોર્ટમાં કરવામાં આવી હતી અને તેની જોગવાઇઓને પડકારવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ ખાતે મંગળવારે ત્રણ કલાક કરતા વધુ સમય સુધી તેની સુનાવણી ચાલી હતી. જેમાં વકીલો તરફથી દલીલો કરવામાં આવી હતી કે ગુજસીટોક કાનુનમાં કેટલીક જોગવાઇઓ અપ્રસ્તુત અને મનસ્વી રીતે ઉમેરી દેવાઇ છે. આ કાયદો સંગઠીત ગુનાખોરી અને સામાન્ય ગુનાખોરી વચ્ચે ભેદ રાખતો નથી અને માત્ર કોઇ એક વ્યકિત સામે એકથી વધુ ચાર્જશીટ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવી હોય તો તેની સામે આ કાયદો લાગુ કરવામાં આવે છે પછી તે ભલે સંગઠીત ગુનાખોરી કે ત્રાસવાદી પ્રવૃત્તિનો ભાગ ના હોય તો પણ વ્યકિત ઉપર લાગુ કરવામાં આવે છે.

ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યા બાદ આરોપી જો નિર્દોષ મુકત થાય અથવા તો તેની સામે આરોપો પડતા મુકવામાં આવ્યા તો પણ તેની સામે આ કાયદો લાગુ કરવામાં આવે છે.

આ કાયદાની અનેક જોગવાઇઓ મહારાષ્ટ્રમાં લાગુ કરાયેલા મહારાષ્ટ્ર ઓર્ગેનાઇઝડ ક્રાઇમ કંટ્રોલ એકટ (મકોકા)માંથી બેઠી જ ઉઠાવીને નકલ કરાઇ છે પરંતુ તે કાયદાની અનેક જોગવાઇઓ બોમ્બે હાઇકોર્ટ દ્વારા રદ્દ કરવામાં આવી હતી. દાખલા તરીકે ગુજસીટોકમાં આરોપીને જામીન અરજી કરવી હોય તો તે સાંભળવાની સત્તા ખાસ અદાલતને આપવામાં આવી નથી. મકોકામાં પણ આવી જોગવાઇઓ હતી પરંતુ તે પહેલા બોમ્બે હાઇકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટ દ્વારા રદ્દ કરવામાં આવી હતી. આથી આ કાયદાની કેટલીક જોગવાઇઓ અપ્રસ્તુત અને બંધારણમાં નાગરિકોને આપવામાં આવેલા હક્કોથી વિપરીત હોવાથી રદ્દ કરવી જોઇએ. આ બાબતે આજે બુધવારે પણ સુનાવણી ચાલુ રહી છે.

(3:41 pm IST)