Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

કોંગ્રેસ હાઇકમાન્ડની મુંઝવણ... ગુજરાતનું સુકાન યુવાન નેતાને સોંપવું કે પીઢ નેતાને

કોંગ્રેસ હજુ સુધી પ્રભારીની પસંદગી પણ કરી શકયું નથી

અમદાવાદ તા. ૩૦ : કોર્પોરેશન અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મળેલી હાર પછી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટિ (જીપીસીસી)ના પ્રમુખ અમિત ચાવડા અને ધારાસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી છેલ્લા બે વર્ષમાં ઘણીવાર રાજીનામાની ઓફર કરી છે.

 

મુશ્કેલી એ છે કે કોંગ્રેસ હાઇકમાન્ડ રાજ્યના નેતા પદે યુવને રાખવા કે અનુભવીને તે નક્કી નથી કરી શકતું. રાજ્યમાં આવતા વર્ષે ધારાસભાની ચૂંટણીઓ થવાની છે. આના કરતા પણ ખરાબ બાબત તો એ છે કે કોંગ્રેસ હાઇકમાન્ડ રાજીવ સાતવના મૃત્યુ પછી તેમની જગ્યાએ કોઇને હજુ સુધી મૂકી નથી શકયું. રાજ્યમાં તેમના મૃત્યુ પછી કોંગ્રેસના પ્રભારીની જગ્યા ખાલી પડી છે.

કોંગ્રેસના સૂત્રોએ કહ્યું કે, રાજ્યમાં પક્ષની નેતાગીરી બદલવા અંગેનો નિર્ણય પંજાબ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ઉભી થયેલી મુશ્કેલીઓ નિવાર્યા પછી લેવાશે. સૂત્રોએ કહ્યું હતું કે, ગુજરાતના પ્રભારી તરીકે અશોક ચવાણ અથવા સચિન પાયલોટની નિમણૂંક થઇ શકે છે. રાજ્યના નેતાઓ કોંગ્રેસની કેન્દ્રીય નેતાગીરીને મળ્યા હતા પણ રાજ્ય પ્રભારીની નિમણૂંક થયા પછી જ કોઇ નિર્ણય લેવાશે એમ પણ સૂત્રોએ કહ્યું હતું.

સૂત્રોએ કહ્યું હતું કે, કોંગ્રેસ નેતાગીરી રાજ્યમાં આપ અને અન્ય પક્ષો પર પણ ધ્યાન રાખી રહી છે. કેમકે આગામી વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસના મતદારો છીનવી શકે છે. આપ તથા એઆઇએમઆઇએમને સ્થાનિક ચુંટણીઓમાં મળેલા મતો કોંગ્રેસના ભોગે મળ્યા છે. આ પરિસ્થિતિમાં કોંગ્રેસ કદાચ રાજ્યના કોંગ્રેસ વડા તરીકે કોઇ પાટીદારની નિમણૂંક કરી શકે છે.

(11:59 am IST)