Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

થાય ખેડૂની આંખે હર્ષાશ્રુની ધાર, આજ વરસે જો મેઘ આવશે...

તેલીબિયા પાકોનું સૌથી વધુ ૪૦.૯૬ ટકા વાવેતર : કઠોળ ૧૦.૨૭, ધાન્ય ૫.૫૦

ગુજરાતમાં ગયા વર્ષે જૂન અંત સુધીમાં ૨૮,૪૪,૧૦૮ હેકટરમાં વાવણી થયેલ, આ વર્ષે ૨૫,૦૨,૨૮૮ હેકટરમાં : રાજ્યનું સરેરાશ વાવેતર ૨૯.૨૫ ટકા

રાજકોટ તા. ૩૦ : ગુજરાતમાં ચોમાસાની મોસમના મંડાણ થઇ ગયા છે. ખરીફ પાકની વાવણી માટે જૂન મહિનો ખૂબ મહત્વનો ગણાય છે. આજે જૂનનો અંતિમ દિવસ છે. મેઘરાજા હજુ અપેક્ષા મુજબ વરસ્યા નથી. જૂન મધ્યના વરસાદ પછી ઘણા વિસ્તારોમાં વાવણી થઇ ગયેલ. હજુ અમુક વિસ્તારોમાં પ્રારંભિક સારા વરસાદના અભાવે વાવણી બાકી છે. ગયા વર્ષની ૨૮ જૂન સુધીમાં રાજ્યમાં ૨૮,૪૪,૧૦૮ હેકટરમાં વાવેતર થયેલ. આ વર્ષે ૨૮ જૂન સુધીમાં ૨૫,૦૨,૨૮૮ હેકટરમાં વાવેતર થયું છે. ગયા વર્ષની સરખામણીએ વાવેતર ઓછું છે.

રાજ્યમાં આ વર્ષે નોર્મલ વાવેતર વિસ્તારો ધ્યાને લેતા સૌથી વધુ ૪૦.૯૬ ટકા વાવેતર તેલીબીયા પાકોનું થયું છે. જેમાં સૌથી વધુ ૫૮.૯૬ મગફળીનો સમાવેશ થાય છે. મગફળીનું ૯,૯૯,૩૫૩ હેકટરમાં વાવેતર છે. કપાસની વાવણી ૧૧,૪૬,૦૮૮ હેકટરમાં થઇ છે. વાવેતર વિસ્તારની ટકાવારીની દ્રષ્ટિએ તે ૪૪.૮૯ ટકા થાય છે. તેલીબીયા પાકોમાં મગફળી, તલ, દીવેલા, સોયાબીન વગેરેનો સમાવેશ થાય છે. કઠોળ પાકોમાં તુવેર, મગ, મઠ, અડદ વગેરેનો સમાવેશ થાય છે. કઠોળ પાકોનું વાવેતર ૧૦.૨૭ ટકા છે. જેમાં સૌથી વધુ ૩૩૯૮૦ હેકટરમાં તુવેર વાવવામાં આવી છે.

ડાંગર, બાજરી, જુવાર, મકાઇ વગેરેનો ધાન્ય પાકોમાં સમાવેશ થાય છે. ધાન્ય પાકોમાં સૌથી વધુ ૧૦.૭૧ ટકા મકાઇ વાવવામાં આવી છે તેનો વાવણી વિસ્તાર ૩૨૧૮૮ હેકટર થયો છે. બાજરીનું વાવેતર ૮.૮૭ ટકા છે. ઘાસચારો ૧૦.૯૯ ટકામાં અને શાકભાજી ૧૯.૪૬ ટકામાં વાવવામાં આવ્યા છે. રાજ્યમાં બે દિવસ પહેલાની સ્થિતિએ બધા પાકોનું મળી સરેરાશ ૨૯.૨૫ ટકા વાવેતર થયું છે. હજુ વાવણીનો સમયગાળો પૂરો થયો નથી. સારો વરસાદ થાય એટલે વધુ વાવણી કરવા ખેડૂતો તત્પર છે.

સૌરાષ્ટ્રમાં મગફળીનું વાવેતર

જિલ્લો

હેકટર

સુરેન્દ્રનગર

૦૩૪૨

રાજકોટ

૧૪૧૫

જામનગર

૧૧૮૧

પોરબંદર

૦૪૩૩

જૂનાગઢ

૧૦૯૪

અમરેલી

૧૪૧૭

ભાવનગર

૦૮૩૪

મોરબી

૦૫૭૭

બોટાદ

૦૧૨૨

સોમનાથ

૦૪૧૮

દ્વારકા

૧૩૩૭

કુલ

૯૧૬૮

(11:58 am IST)