Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

વસ્ત્રાપુરની હોટલમાં દારૂની મહેફીલ, ૧૧ જણાં ઝડપાયા

દારૂબંધીના ધજાગરા ઊડાવતા માલેતુજાર નબીરાઓ : બે યુવતીઓએ દારૂ ન પીધો હોઈ છોડી મુકાઈ, કેટલાક યુવાનો તો પાર્ટી માટે પાલનપુરથી ખાસ આવ્યા હતા

અમદાવાદ, તા. ૨૯ : અમદાવાદ શહેરમાં ફરી એકવાર નબીરાઓ દારૂનીમહેફીલ માણતા ઝડપાયા છે. અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ દ્વારા દરોડો પાડીને દારૂની મહેફીલ માણી રહેલા ૧૧ લોકોને ઝડપી લેવામાં આવ્યા છે. જો કે તે પૈકી ૨ યુવતીઓએ દારૂ નહી પીધો હોવાનાં કારણે તેમને છોડી મુકાઇ છે. જ્યારે ૯ લોકોને પોલીસે ઝડપી લીધા છે. એસ.એન બ્લુ હોટલમાં દારૂની મહેફીલ માણતા ૯ નબીરાઓને પોલીસે ઝડપી લીધા છે. આ યુવાનો પાર્ટી કરવા માટે સ્પેશિયલ હોટલમાં એકત્ર થયા હતા. જો કે પોલીસને મળેલી બાતમીના આધારે તેમણે દરોડો પાડીને રંગમાં ભંગ પાડ્યો હતો.

હોટલમાં પાર્ટી કરવા એકત્ર થયેલા નબીરાઓમાં ૨ યુવતીઓ પણ હતી. જો કે યુવતીઓએ દારૂ નહી પીધો હોવાનાં કારણે તેમને તત્કાલ છોડી મુકવામાં આવી હતી. જ્યારે ૯ નબીરાઓની ધરપકડ કરીને તેમને મેડીકલ ચેકઅપ માટે મોકલી અપાયા છે. ઝડપાયેલા લોકો પૈકી કેટલાક લોકો છેક પાલનપુરથી માત્ર પાર્ટી કરવા માટે જ આવ્યા હોવાનું સામે આવ્યું છે. હાલ તો પોલીસે તમામને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત દારૂ ક્યાંથી આવ્યો તે અંગેની તપાસ પણ પોલીસ ચલાવી રહી છે.

ઝડપાયેલા નબીરાઓમાં જૈનમ શાહ – વાસણા, જીગર પરમાર – વેજલપુર, વિકી શાહ – પાલનપુર, સંજય પટેલ – રાણીપ,  શાલીન શાહ – વાસણા, વૈભવ શાહ – પાલડી, વરસાદ શાહ – પાલનપુર, વિશાલ પરીખ – વસ્ત્રાપુર, વિકાસ શાહ – પાલનપુરનો સમાવેશ થાય છે.

(9:53 pm IST)