Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

આંગડિયા કર્મી ૭૨.૬૨ લાખ લઇ રફુચક્કર : ઉંડી ચકાસણી

નવરંગપુરા પોલીસમથકમાં નોંધાયેલી ફરિયાદઃ સીજી રોડ ઉપર સુપર મોલ ખાતેની મણિલાલ મગનલાલ એન્ડ સન્સ આંગડિયા પેઢીના કર્મચારી દ્વારા મોટી ઉચાપત

અમદાવાદ,તા. ૩૦: શહેરના સીજીરોડ પર આવેલી આંગડિયા પેઢીમાં કામ કરતો કર્મચારી જ ખુદ પેઢીમાંથી રૂ.૭ર.૬ર લાખની ઉચાપત કરી ફરાર થઇ ગયો હોવાની ફરિયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી છે. કર્મચારીએ સગાભાઇ સાથે મળી આંગડિયાના રૂ.૭ર.૬ર લાખ ઘરભેગા કરી લીધા હોઇ આંગડિયા પેઢીના માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બનાવને પગલે આંગડિયા વર્તુળમાં ભારે ચકચાર મચી ગઇ હતી. બીજીબાજુ, પોલીસે નાણાંકીય ઉચાપત કરનાર આંગડિયા પેઢીના કર્મચારીની તપાસ શરૂ કરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ વિસનગરની ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા કલ્પેશભાઇ પટેલ (ઉ.વ.૪૪) અમદાવાદના સીજીરોડ પર સુપર મોલમાં પટેલ મણિલાલ મગનલાલ એન્ડ સન્સ નામે આંગડિયા પેઢી ધરાવે છે. વિસનગરની શરણમ્ સોસાયટીમાં રહેતા પીયૂષભાઇ પટેલ ચાર વર્ષથી પેઢીમાં પૈસાની લેતી-દેતીનું કામકાજ સંભાળતા હતા. ગત તા.પ એપ્રિલ, ર૦૧૬ના રોજ પીયૂષભાઇ નોકરીએ આવ્યા ન હતા. તેમનો મોબાઇલ પણ બંધ આવતો હતો. પાર્ટીઓના પૈસા માટે પેઢીમાં ફોન આવતાં પીયૂષભાઇ પર શંકા ગઇ હતી. કલ્પેશભાઇએ પેઢીના હિસાબો ચેક કરતાં આઠ અલગ અલગ આંગડિયા પેઢીમાંથી કલ્પેશભાઇની પેઢીના નામે કર્મચારી પિયુષભાઇ કુલ રૂ.૭ર.૬ર લાખ લઇને આવ્યા હતા. રૂ.૭ર.૬૨ લાખ જેટલી માતબર રકમની ઉચાપત કરી ગત તા.૪ એપ્રિલના રોજ પિયુષભાઇ તેના ભાઇ સાથે મળીને ફરાર થઇ ગયા હતા. હિસાબ તપાસતાં આઠેય પેઢીને પૈસા ચૂકવ્યા હોવાની કલ્પેશભાઇની પેઢીની ખોટી રસીદો પણ પીયૂષભાઇએ બનાવી હતી. કલ્પેશભાઇએ બાજુની પેઢીના સીસીટીવી ફૂટેજ તપાસતાં પીયૂષભાઇનો ભાઇ અંકુર પટેલ છેલ્લા બે દિવસથી પેઢીમાં આવ-જા કરતો હતો. તેથી પિયુષભાઇએ તેના ભાઇ સાથે મળી આ ઉચાપત કરી હોવાની શંકા મજબૂત બની હતી. પીયૂષભાઇના પિતાને આ બાબતે વાત કરતાં તેઓએ પૈસા ચૂકવી દેશે તેવું જણાવ્યું હતું, પરંતુ સમય વીતવા છતાં પૈસા ચૂકવ્યા ન હતા અને પૈસા માગશે તો જાનથી મારીનાખવાની ધમકી આપી હતી. જેને પગલે આંગડિયા પેઢીના માલિક કલ્પેશભાઇએ આખરે નવરંગપુરા પોલીસમથકમાં આરોપી કર્મચારી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

(10:16 pm IST)