Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

વડોદરાના વાઘોડિયા રોડ પર નિવૃત શિક્ષિકાને વાતોમાં પરોવી બે ગઠિયા 1.48 લાખની મતા લઇ ફરાર થઇ જતા પોલીસ ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી

વડોદરા : વાઘોડિયા રોડ પર નિવૃત્ત શિક્ષિકાને વાતોમાં પરોવીને બે ગઠિયાઓ ૧.૪૮ લાખની મત્તા લઇને ફરાર થઇ ગયા હતા.જે અંગે પાણીગેટ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

સુશેન તરસાલી  રોડ પર નંદનવન સોસાયટીમાં રહેતા ૬૬ વર્ષના નિવૃત્ત શિક્ષિકા સવિતાબેન વિનોદકુમાર પરમારે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગત તા.૨૭ મી એ વાઘોડિયા ડભોઇ રીંગરોડ પર દેવાશિષ ડૂપ્લેક્સમાં રહેતા મારા વેવાઇ બાલુભાઇ દેવજીભાઇ વણકરના ઘરે નવચંડી યજ્ઞા હોઇ હું મારા ઘરેથી સવારે પોણા દશ વાગ્યે રિક્ષામાં બેસીને નીકળી હતી.ગુરૃકુળ ચાર રસ્તા પાસે ઉતરીને હું ચાલતી ચાલતી જતી હતી.તે સમયે અંદાજે ૪૫  વર્ષનો શખ્સે મારી પાસે આવીને ડો. શર્માનું દવાખાનુ ક્યાં છે ? તેવું પૂછ્યું હતું.મને ખબર નથી.તેવો જવાબ આપ્યો હતો.ત્યાં એક બાઇક ચાલક આવ્યો હતો.બંનેએ મને વાતોમાં પરોવી હતી.અહીંયા બહુ તડકો છે.તમે ઝાડના છાંયડામાં આવી  જાવ.ત્યારબાદ મને કહ્યું કે, તમે હરિઓમ હરિઓમ બોલો.અને ઘરે જઇને ગાયને ઘાસ ખવડાવી દેજો.ત્યારબાદ તેમના કહેવાથી મેં મારા શરીર પરથી દાગીના ઉતારીને પાકીટમાં મૂક્યા  હતા.અને પાકીટ  રૃમાલમાં વીંટાળી  દીધું હતું.આ રૃમાલ એક શખ્સે તેના હાથમાં પકડી રાખી મારા હાથ પર પાણીનો છંટકાવ કરી કહ્યું કે,તમે લાઇટના ચાર થાંભલા ગણી આવો.જેથી,હું લાઇટના થાંભલા ગણીને  પરત આવી ત્યારે બંને આરોપીઓ ગાયબ હતા.બંને ગઠિયાઓ સોનાના દાગીના અને મોબાઇલ ફોન મળીને  કુલ રૃપિયા ૧.૪૮ લાખની મત્તા લઇ ગયા હતા.

(7:04 pm IST)