Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

સુરતના માંડવીના વન વિભાગના કર્મીઅોની પ્રસંશનીય કામગીરીઃ દીપડીના ૩ માસના બચ્ચાનું માતા સાથે પુનઃ મિલન કરાવ્યુ

૩ માસના બચ્ચાને બાસ્કેટમાં મુકી સીસીટીવી કેમેરાની માધ્યમથી માતાને શોધી મિલન કરાવ્યુ

સુરતઃ સુરતના માંડવી વન વિભાગના કર્મીઅોની પ્રસંશનીય કામગીરી સામે આવી છે. ૩ માસના વિખુટા પડી ગયેલા બચ્ચાને બાસ્કેટમાં રાખી સીસીટીવી ફુટેજની મદદથી માતાને શોધી કાઢીને અથાક પ્રયત્નો બાદ માતા અને ૩ માસના બચ્ચાનું પુનઃ મિલન કરાવ્યુ છે.

માંડવી તાલુકાના પાતલ ગામેથી વન્યપ્રાણી દીપડીના ૩ બચ્ચાં મળી આવ્યા હતા. વન વિભાગે દીપડાના બચ્ચાનું માતા સાથે પુનઃ મિલન કરાવ્યું હતું.

સુરતમાં વન વિભાગની પ્રસંનીય કામગીરી સામે આવી છે, માતાથી વિખુટા પડેલા દીપડીના ૩ બચ્ચાંનું માતા સાથે પુનઃ મિલન કરાવવામાં માંડવી વન વિભાગની ટીમને સફળતા મળી છે. માંડવી દક્ષિણ રેન્જના કાર્યવિસ્તારમાં આવેલ ખોડાંબા–૨ રાઉન્ડના પાતલ બીટ વિસ્તારમાં પાતલ ગામે રહેતા જશવંતભાઈ ડાહયાભાઈ ગામીત સવારના 7.30 કલાકે વાગ્યાના આસપાસ પોતાના ખેતરમાં કામ અર્થે ગયા હતા. જયાં ખેતરને અડીને આવેલ કોતરમાં દીપડીના બે બચ્ચાં જોવા મળ્યા હતા. તેઓ ગભરાઈ ગયા હતા. તેમણે તાત્કાલિક સુરત વન વિભાગની માંડવી દક્ષિણ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર ઉપેન્દ્રસિંહ રાઉલજીને ટેલિફોનિક જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ ફોરેસ્ટર ઉપેન્દ્રસિંહ રાઉલજીએ ખોડાંબા–2 રાઉન્ડના ફોરેસ્ટર નેહાબેન આઈ. ચૌધરી, નિલમબેન એ. ચૌધરી, બીટગાર્ડ કાલીબેલ તથા રોજમદારો સાથે તાત્કાલિક સ્થળ પર પહોચી જઈ સ્થળ તપાસ કરી હતી અને દિપડીના બચ્ચાનો કબજો લઈ ખોડાંબા હેડકવાર્ટર ખાતે રાખવામાં આવ્યો હતો.

ખેતરમાંથી મળી આવેલ દીપડાના બચ્ચાની ઉંમર 3 માસ હોવાનું જણાયુ હતું. ત્યારે માંડવી દક્ષિણ રેન્જ દ્વારા દીપડીને શોધવાની કામગીરી કરાઈ હતી. દીપડીના બચ્ચાં જે સ્થળ પરથી મળી આવ્યા હતા એ સ્થળ પર સીસીટીવી, ટ્રેપ કેમેરા ગોઠવાયા હતા. દીપડી વહેલી તકે મળી આવે તે માટે બચ્ચાંને બાસ્કેટમાં મૂકાયા હતા. આમ, માતા સાથે પુનઃ મિલન કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

વન વિભાગની ટીમે જે સ્થળ ઉપરથી દીપડીના બચ્ચાં મળી આવ્યા હતા, તે જ સ્થળ ઉપર એક પ્લાસ્ટિકના બાસ્કેટમાં ત્રણેય દીપડીના બચ્ચાંને મુકવામાં આવ્યા હતા. ઘટનાને કેદ કરવા માટે વન વિભાગની ટીમે અલગ અલગ જગ્યા ઉપર CCTV, ટ્રેપ કેમેરા ગોઠવ્યા હતા. ત્યારે રાત્રિના સમયે બચ્ચાની શોધમાં દીપડી ઘટના સ્થળે આવી પહોંચી હતી. બાસ્કેટમાં મુકેલ ત્રણેય બચ્ચાંઓ સાથે દીપડી CCTV કેમેરામાં જોવા મળી હતી. વન વિભાગના અથાગ પ્રયત્નો બાદ માતાથી વિખુટા પડેલા દીપડીના બચ્ચાંની માતા સાથે ફરી પૂનઃ મિલન થયું હતું. વન વિભાગની આવી કામગીરીની લોકોએ ખૂબ પ્રશંસા કરી તેને બિરદાવી હતી.

(5:14 pm IST)