Gujarati News

Gujarati News

News of Wednesday, 29th December 2021

મહેસાણા જીલ્લાના ખેરાલુ તાલુકાના ડાવોલ, ડાલીસણા, વરોના ગ્રામજનોએ પાણી મુદ્દે સરકાર સામે બાંયો ચડાવતા સરકાર ઝુકીઃ આવનાર 2 વર્ષની તમામ ચૂંટણીનો બહિષ્‍કાર કર્યો હતો

રૂપેણ નદીમાં નર્મદાના નીર છોડતા 2 હજારથી વધુ ગ્રામજનો દ્વારા વધામણા

મહેસાણા: જિલ્લાના ખેરાલુ તાલુકાના ત્રણ ગામ ડાવોલ, ડાલીસણા અને વરેઠાના ગ્રામજનોએ પાણી મુદ્દે સરકાર સામે બાંયો ચડાવતા સરકારને પણ ઝુંકવુ પડ્યું હતું. આ ગામોએ બે વર્ષમાં આયોજીત તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કર્યો હતો. સરકાર સામે મચક આપી નહોતી. જેના પગલે આખરે ગામનો વિજય થયો હતો. ત્રણેય ગામો અગાઉ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો સખત વિરોધ કરી રહ્યા છે અને ચૂંટણીઓનો પણ બહિષ્કાર કરી રહ્યા છે. જેના પગલે સરકારે આખરે ઝુંકવુ પડ્યું હતું અને રૂપેણ નદીમાં નર્મદાના નીર છોડવા પડ્યાં હતા. પાણી આવતા જ 2000થી વધારે ગ્રામજનો દ્વારા પાણીના વધામણા કરવામાં આવ્યા હતા.

મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના 3 ગામ ડાવોલ, ડાલીસણા અને વરેઠા સહિતના આસપાસના વિસ્તારો સિંચાઇ પાણીના અભાવે ખેતી કરી શકતા નહોતા. જેના પગલે સતલાસણ તાલુકાના ધરોઇ જળાશય હોવા છતા બંન્ને કાઠા વિસ્તારના ગામોમાં સિંચાઇનો લાભ મળતો નહોતો. સતત પાણીના અભાવના કારણે પાણીનું તળ પણ નીચું ગયું હતું. બોરના પાણી પણ નીચે ગયા હતા. જેથી પાણી નહી મળવાના કારણે ચોમાસાના પાક દરમિયાન પણ ખેડૂતોને મુશ્કેલી પડતી હતી.

સરકાર પાસે અનેક રજુઆતો છતા સરકાર ટસનીમસ નહી થતા આખરે ગ્રામજનોએ ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ શરૂ કર્યો હતો. જેના પગલે મહેસાણા જિલ્લામાં તાલુકા અને જિલ્લા પંચાયત અને ગ્રામપંચાયતોની તમામ ચૂંટણીઓનો ગ્રામજનો દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો હતો. એક પણ મત ગામમાંથી નહી પડતા આખરે તંત્ર સફાળું જાગ્યું હતું. ગ્રામજનો સાથે વાટાઘાટો કરીને આખરે પાણી છોડવાની બાંહેધરીએ આપી હતી. જો કે ગ્રામજનોએ પાણી આવે પછી જ કોઇ પણ ચૂંટણીમાં ભાગ લેવાનો નિર્ણય લીધો હતો. આખરે સરકારે પાણી છોડ્યાં બાદ જ ગ્રામજનો હવે ચૂંટણીમાં મતદાન માટે તૈયાર થયા હતા.

(4:45 pm IST)