Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

અમદાવાદની સિમ્‍સ હોસ્‍પિટલમાં અનેક પડકારો વચ્‍ચે તબીબોની સિદ્ધિઃ 700 ગ્રામ વજન ધરાવતા અને નિયત સમય પહેલા જન્‍મેલા બાળકના ખામી ધરાવતા હૃદયનું સફળ ઓપરેશન

અમદાવાદ: 700 ગ્રામ વજન ધરાવતા અને નિયત સમય પહેલાં જન્મેલા બાળકના ખામી ધરાવતા હૃદયનું સફળ ઓપરેશન કરીને સિમ્સ હૉસ્પિટલ, અમદાવાદે એક અચરજ પેદા કરે તેવી અને પડકારયુક્ત સિધ્ધિ હાંસલ કરી છે. 24 દિવસ પહેલાં આ બાળકીનો જન્મ મહેસાણા જીલ્લામાં ખેરાલુ ગામે થયો હતો. આ બાળકી હૃદયમાં પેટન્ટ ડકટસ આર્ટેરિઓસસની ખામી ધરાવતી હતી.

આ સ્થિતિને કારણે ડકટસ આર્ટેરિઓસસ કે જે સામાન્ય રીતે જન્મ્યા પછી બંધ હોય છે તે ખુલ્લુ હતું. આ કારણે શરીરમાં રક્તનું નોર્મલ પરિભ્રમણ  થવાને બદલે રક્ત પાછુ ફેફસાંમાં આવતું હતું. આ બાળકી ઓચિંતુ શ્વાસ લેવાનુ બંધ કરી દેતી હતી. આ બાળકીને તપાસી કરીને સિમ્સ હૉસ્પિટલના પિડીયાટ્રિક કાર્ડીયોલોજીસ્ટ ડો. દિવ્યેશ સાદડીવાલાએ બાળકની સર્જરીની ભલામણ કરી હતી.

સિમ્સ હૉસ્પિટલના પિડીયાટ્રિક કાર્ડિયાક સર્જન ડો.શૌનક શાહ જણાવે છે કે 'બાળકના હૃદયની ખામી સુધારવા કરવા માટે પીડીએ લાઈગેશન સર્જરી કરવાની જરૂર હતી પણ વિવિધ કારણોથી આ શસ્ત્રક્રિયા ખૂબ જ મુશ્કેલ હતી.  બાળકી કાચા મહીને જન્મી હતી  અને તેનુ વજન ઓછુ હતું. તેનુ હાઈક્રીએટીનાઈન લેવલકીડની પર અસર દર્શાવતુ હતું. આ ઉપરાંત ઈન્ફેક્શન લાગવાના પણ કેટલાક નિર્દેશો મળ્યા હતા. આમ છતાં પણ અમે  અન્ય કોઈ વિકલ્પ નહી હોવાને કારણે પીડીએ લાઈગેશન સર્જરી કરવાનો નિર્ણય કર્યો હતો.

તેમણે જણાવ્યુ કે બાળકીને શનિવારે સફળતાપૂર્વક પીડીએ લાઈગેશન સર્જરી કરવામાં આવી હતી. ડૉ.નિરેન ભાવસાર, ડૉ. હિરેન ધોળકીયા, ડૉ. ચિંતન શેઠ ના નેતૃત્વ હેઠળની એનેસ્થેશિયા ટીમ અને પિડીયાટ્રીક ઈન્ટેન્સિવિસ્ટ ડો. અમિત ચિતલીયા  પણ નવજાત બાળકને  સફળ શસ્ત્રક્રિયા કરનાર આ ટીમનો હિસ્સો હતા. આ બાળક હવે સાજુ થઈ રહ્યુ છે.

તેમણે જણાવ્યુ હતું કે સિમ્સ ખાતે અમે ઓપરેશન કર્યુ હોય તેવુ આ સૌથી ઓછુ વજન ધરાવતુ અને સંભવતઃ ગુજરાતમાં સૌથી નાની વયે કાર્ડિયાક સર્જરી કરાઈ હોય તેવુ આ બાળક છે. ઉપર દર્શાવ્યા મુજબના પડકારો ઉપરાંત ઓછુ વજન  ધરાવતાં બાળકોને હાયપોથર્મિઆની એટલે કે  ઓચિંતા ઉષ્ણતામાન ઘટી જવાની સમસ્યા રહે છે. સર્જરી દરમ્યાન હૉસ્પિટલના ડોકટરોએ એરકન્ડીશનર બંધ રાખ્યુ હતું. આ ઉપરાંત આ બાળકીની સર્જરી ઈનફન્ટ વોર્મર ઉપર કરવામાં આવી હતી.

'આ બધા વધારાના પડકારો હતા પણ અમે ટીમના પ્રયાસો અને  સપોર્ટ સિસ્ટમને કારણે આ બધા પડકારો પાર કરી શકયા હતા.  અહીં અમે સિમ્સ ફાઉન્ડેશનનો ખાસ ઉલ્લેખ કરીએ છીએ  કે જે નવજાત દર્દીઓની આવી જીવનરક્ષક સર્જરી કરવામાં સહાયરૂપ થતુ રહે છે.'

(4:55 pm IST)