Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

અમદાવાદમાં ફરજ બજાવતા જઇ રહેલા સમા પોલીસ સ્‍ટેશનના એએસઆઇ રાજેન્‍દ્રભાઇ જયસ્‍વાલનું આઇસર હડફેટે મોતઃ સીસીટીવી ફુટેજના આધારે ડ્રાઇવર સામે ગુન્‍હો નોંધીને કાર્યવાહી

વડોદરા: ફરજ બજાવવા નીકળેલા શહેરના સમા પોલીસ મથકના પોલીસ જવાનનું રણોલી બ્રિજ પાસે અકસ્માતમાં મોત નિપજતા હડકંપ મચી ગયો છે. પોલીસ તંત્રમાં ગમગીની ફેલાવી દેનાર સમગ્ર બનાવમાં પોલીસ જવાન પોતાની મોટર સાઇકલ લઇને ડ્યુટી બજાવવા માટે જઇ રહ્યા હતા. આ દરમિયાન રણોલી બ્રિજ પાસે રોંગ સાઇડ આવી રહેલા ટેમ્પોએ તેઓને અડફેટે લેતા સ્થળ પર તેમનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઇ હતી.

સમગ્ર બનાવની વિગત એવી છે કે, રણોલી ગામમાં રહેતા રાજેન્દ્રભાઇ જયસ્વાલ સમા પોલીસ સ્ટેશન ખાતે ASI (આસિસટન્ટ સબ ઇન્સપેકટર) તરીકે ફરજ બજાવતા હતા. આજે સવારે તેઓ નિત્યક્રમ પ્રમાણે પોલીસ સ્ટેશન જવા માટે બાઇક પર નીકળ્યાં હતા. જ્યાં રણોલી બ્રિજ નીચે તાપી હોટલ નજીક રોંગ સાઇડ આવી રહેલા આઇસરના ચાલકે રાજેન્દ્રભાઇની બાઇકને અડફેટે લેતા તેઓ બાઇક ઉપરથી ફંગોળાઇ ગયા હતા. તેમના માથા ઉપર આઇસર ટેમ્પોનું તોતિંગ વ્હીલ ફરી વળતા સ્થળ પર તેઓનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. સમગ્ર બનાવની જાણ સમા પોલીસના જવાનો તેમજ શહેર પોલીસ મથકમાં ફરજ બજાવતા તેમના પોલીસ જવાન મિત્રોને થતાં સ્થળ પર દોડી ગયા હતા. તે સાથે બનાવની જાણ તેમના પરિવારજનોને થતાં તેઓ પણ સ્થળ પર દોડી ગયા હતા.

સમા પોલીસ જવાન રાજેન્દ્રભાઇ જયસ્વાલનું અકસ્માતમાં મોત નિપજતાં રણોલી ગામમાં પણ ગમગીની ફેલાઇ ગઇ હતી. આ સાથે શહેર પોલીસ તંત્રમાં પણ ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ હતી. આ બનાવ અંગે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આઇસર ટેમ્પોના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, ફ્લાય ઓવર બ્રિજ હોવાના કારણે અવાર-નવાર રણોલી ટર્નિંગ ઉપર અકસ્માતો સર્જાતા હોય છે. આજે સવારે સમા પોલીસ મથકના એ.એસ.આઇ. અકસ્માતનો ભોગ બન્યા હતા. અવાર નવાર ભારદારી વાહનો રોંગ સાઇડ આવતા આ પ્રકારની ઘટનાઓ બનવા છતાં, તંત્ર દ્વારા કોઇ ઉકેલ લાવવામાં આવતો નથી. પરંતુ તંત્ર દ્વારા આ પ્રકારના વાહન ચાલકો સામે કોઇ નક્કર પગલા હજી સુધી લેવામાં આવ્યાં નથી. ત્યારે તંત્ર ક્યારે પોતાની ઊંઘ ઉડાડશે તે એક સવાલ છે.

(4:50 pm IST)