Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

અમદાવાદ પૂર્વના વટવા જીઆઇડીસી ફેઝ 4 માંથી રાત્રે ઝેરી ગેસ છોડવામાં આવતા મચ્છૂનગરના રહીશોમાં આંખોમાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ તથા ઊલટીઓ થવા લાગી : 8 જેટલી કંપનીઓમાં તપાસ કરી હતી પરંતુ કોઈ સગડ નહિ મળતા 4 મશીનો મૂકીને તપાસનો ધમધમાટ

ગાંધીનગર: અમદાવાદ પૂર્વના વટવા જીઆઇડીસી ફેઝ 4 માંથી સોમવારની રાત્રે ઝેરી ગેસ છોડવામાં આવતા મચ્છૂનગરના રહીશોમાં આંખોમાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ તથા ઊલટીઓ થવા લાગી હતી. જેના કારણે સ્થાનિક રહીશોમાં ગભરાટ અને ઉચાટ ફેલાઈ જતા નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ, જીપીસીબી અને પોલીસ ઘટનાસ્થળે આવીને 8 કંપનીમાં તપાસ કરી હતી પરંતુ કઈ કંપનીમાંથી ગેસ છોડવામાં આવ્યો હતો તે સ્પષ્ટ નહિ થતા 4 મશીન મૂકીને ચકાસણી હાથ ધરી છે. જોકે આ મશીનથી સ્પષ્ટ થવું શક્ય નહિ હોવાનું હથીજણ વિસ્તારના પૂર્વ કોર્પોરેટર અતુલ પટેલે જણાવ્યું છે.

વટવા સ્થિત મચ્છૂનગરના રહીશ ભરત ભરવાડે સ્થાનિક કંપનીમાંથી ઝેરી ગેસ છોડવામાં આવ્યો હોવાની ફરિયાદના પગલે હાથીજણના પૂર્વ કોર્પોરેટર અતુલ પટેલે ફાયર બ્રિગેડ સહિત પોલીસ અને જી.પી.સી.બી.ના અધિકારીઓને જાણ કરી હતી. જેના પગલે તમામ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવીને તપાસ કરી હતી. 8 જેટલી કંપનીઓમાં તપાસ કરી હતી પરંતુ કોઈ સગડ નહિ મળતા 4 મશીનો મૂકીને તપાસ હાથ ધરી છે.

પૂર્વ કોર્પોરેટર અતુલ પટેલના જણાવ્યા પ્રમાણે સ્થાનિક બે વ્યક્તિઓને શ્વાસ લેવામાં વધુ તકલીફ થતા એલ.જી. હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, રસ્તામાં ચોખ્ખી હવા મળતા તેમને રાહત થતા ઘરે પાછા લાવી દેવામાં આવ્યા હતા. જ્યારે બીજા લોકોને આખમાં બળતરા અને ઊલટીઓ થઈ હોવાની ફરિયાદો ઉઠી હતી. આ વિસ્તારની કંપનીઓ દ્વારા મોડીરાત્રે ઝેરી ગેસના વાલ્વ અવારનવાર ખોલી નાખવામાં આવતા હોય છે. પરંતુ વધુ સમય સુધી વાલ્વ ખોલવાના કારણે આવી ઘટનાઓ સર્જાય છે.

સોમવારની ઘટના અંગે તંત્રને જાણ કરાઈ હોવાની ખબર પડી જતા કંપનીએ વાલ્વ બંધ કરી દીધો હશે. જીપીસીબીના અધિકારીઓએ સરપ્રાઈઝ ચેકિંગ કરીને ઝેરી ગેસ કે કેમિકલયુક્ત પાણી છોડતી કંપનીઓને સીલ કરી દેવી જોઈએ તો જ આ પ્રશ્નનો ઉકેલ આવી શકશે.

(3:46 pm IST)