Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

ધો. ૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓના ગુણ શિક્ષણ બોર્ડને મોકલવા સુચના : જુલાઇના ત્રીજા સપ્તાહે પરિણામ

સરકાર દ્વારા કોરોનાને કારણે પરીક્ષા રદ્દ કર્યા બાદ કમિટિએ માર્ગદર્શિકા જાહેર કરી

રાજકોટ તા. ૨૯ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૨ સામાન્ય પ્રવાહના છાત્રોના ગુણ ઓનલાઇન મોકલવાની કાર્યવાહીનો પ્રારંભ થયો છે. ઓનલાઇન ગુણ મોકલવાની કામગીરી આગામી ૪ જુલાઇ સુધી ચાલશે.

ગુજરાત રાજ્યમાં ધો. ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાને લઇ ભારે ખેંચતાણના અંતે ગુજરાત સરકાર દ્વારા ધો. ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા રદ્દ કરી હતી. પરીક્ષા રદ્દ કર્યા બાદ ધો. ૧૨ના વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવા માટે કમિટિની રચના કરવામાં આવી હતી. કમિટિએ વિસ્તૃત અહેવાલ અને ગુણ ફાળવણીની પધ્ધતિ સોંપ્યા બાદ હવે પરિણામ તૈયારી માટેની માર્ગદર્શિકા જાહેર કરી હતી. જેના આધારે શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને ગુણ આપવામાં આવ્યા હતા.

ધો. ૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓના માર્કસ ઓનલાઇન મુકવાની કામગીરી પૂર્ણ થયા બાદ શિક્ષણ બોર્ડ દ્વારા સ્કુટીની હાથ ધરવામાં આવશે. જેમાં શાળા દ્વારા મોકલવામાં આવેલા ગુણની ચકાસણી કરાશે. ત્યારબાદ શિક્ષણ બોર્ડ દ્વારા સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવાની કામગીરી હાથ ધરાશે.

શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જુલાઇ માસના ત્રીજા સપ્તાહમાં જાહેર થવાની શકયતા પ્રવર્તે છે.

(3:23 pm IST)