Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

ગરીબ પરિવારના માસૂમ બાળકોને શોધી કાઢવા માટે ૧૦૦ પોલીસનો કાફલો પોલીસ કમિશ્નર દ્વારા કામે લગાડી, ફકત ૩ કલાકમાં પતો લગાડી દીધો

કોઈ કરોડપતિ કે રાજકીય ભલામણ વગર સામાન્ય પરિવારના માસૂમ બાળકો માટે પોલીસ દ્વારા થયેલ પ્રયાસોની પ્રેરણાદાયક આ ઘટના પ્રથમ નહિ છઠ્ઠી છે : સુરતમાં ૪ વર્ષનો નીલ, ૬ વર્ષની નેન્સી ગૂમ થતાં મૂળ રાજકોટના વતની એવા એસીપી જય પંડયા, પીઆઈ એ.પી.ચૌધરી ટીમ દ્વારા અજય કુમાર તોમરના માર્ગદર્શનમાં કરેલ કામગીરી બદલ અવિરત અભિનંદન વરસી રહ્યા છે : માનવીય અભિગમ ધરાવતા સીપીના માર્ગદર્શનમાં અમારી ટીમ દ્વારા અત્યાર સુધીમાં ૩૫ માસૂમ બાળકોને હેમખેમ ઉગારી લેવાયા છે, એ મહેનત સાથે ઈશ્વરી કૃપા છેઃ એચ.આર. મુલિયાણા

રાજકોટ, તા.૨૯: કોઈ રાજકીય ભલામણ વગર તથા કોઈ કરોડપતિના સંતાન ન હોવા છતાં સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર તથા મૂળ રાજકોટના વતની એવા મદદનીશ પોલીસ કમિશનર જય પંડ્યા દ્વારા એક સામાન્ય પરિવારના બે માસૂમ બાળકો ગૂમ થયા બાદ ૧૦૦ પોલીસની કાફલો કામે લગાડી ફકત ત્રણ કલાકમાં બન્ને સંતાનોને હેમખેમ ફરી એક વખત બચાવી લેતા લોકોમાં ગરીબ અને સામાન્ય સ્થિતિના લોકો તરફની ઉમદા ભાવનાની સમગ્ર શહેરના લોકો દ્વારા કદર કરી અભિનંદન અપરંપાર વરસી રહયા છે.                                 

સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા રમેશ બાબુલાલ નામના શખ્સના ત્રણ પુત્ર અને ૧ પુત્રી પૈકી ૪ વર્ષનો નીલ અને ૬ વર્ષની પુત્રી નેન્સી ગૂમ થયાની ફરિયાદ પાંડેસરા પોલીસ મથકમાં કરવામાં આવી. માસૂમ બાળકો ગૂમ થયા થવાના સમયે પોતાને તથા એ વિસ્તારના એસપી ડીસીપી અને પીઆઇને તાકીદે જાણ કરવાની પોલીસ કમિશનરની નીતિ અને આદેશ મુજબ તુરત જાણ થતાં એસીપી જય પંડ્યાના માર્ગદર્શનમાં પીઆઇ એ.પી.ચૌઘરી ટીમ દ્વારા તુરત કાર્યવાહી ચાલુ કરવામાં આવી.  

 અજય કુમાર તોમરની સૂચના મુજબ એસીપી જય કુમાર પંડયા દ્વારા ૧૦૦ પોલીસનો કાફલો કામે લગાડી સંખ્યાબંધ સીસીટીવી ફૂટેજ ચકાસવા સાથે જય કુમાર પંડિયા દવારા બાતમીદારો પણ કામે લગાડાયા.આમ સીપી થી માંડી પોલીસ કોન્સ્ટેબલ સુધી સહિયારા પ્રયાસ રંગ લાવ્યા, ૪ વર્ષનો નીલ એક પાણીપુરીની લારી પાસે હોવાનું જાણવા મળતા તુરત પોલીસ ટીમ દ્વારા કબ્જો લેવાયો. નેન્સી આગળ જતી હોવાનું દેખાતા, દુર્ગાબેન પવાર નામની મહિલા દ્વારા સાવચેતી ખાતર પોતાની પાસે રાખેલ, તેવો દ્વારા પોલીસ ટીમને જાણ કરી સુપ્રત કરી આપેલ.

અત્રે યાદ રહે કે અત્યાર સુધીમાં પોલીસ કમિશનર અજયકુમાર તોમરના માર્ગદર્શનમાં અમારી  વિવિધ ટીમ દ્વારા ૩૫ જેટલા માસૂમ બાળકોને હેમખેમ ઉગારી લેવામાં આવ્યા છે તેમ આ ઘટના સહિત આવી તમામ ઘટના પ્રસંગે જાતે રસ લેતા એડી.સીપી એચ.આર.મુલિયાણા જણાવે છે,તેઓ દ્વારા એવું પણ ઉમેરેલ કે અમારી મહેનત સાથે કુદરતી કૃપા પણ એટલી જ છે.

(1:39 pm IST)