Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

રસીની અછત વચ્ચે નવા કલેક્ટર અને DDOને સરકારનો ડોઝ: વેક્સિનેશન 100 ટકાએ પહોંચાડવા આપ્યા આદેશ

લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ જમીન માફિયાઓ સામે આકરી કાર્યવાહી કરવા આદેશ આપ્યા

અમદાવાદ :સરકાર દ્વારા 77 જેટલા IAS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. જેમાં કલેક્ટર, DDO, મ્યુનિ. કમિશનર સહિતનાઓનો સમાવેશ થયો હતો. હવે બદલી પામેલા અધિકારીઓએ પોતપોતાનો ચાર્જ પણ સંભાળી લીધો છે.

 ગાંધીનગર ખાતે સરકારે સનદી અધિકારીઓની એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં સરકાર દ્વારા તમામ કલેક્ટરો, DDO સહિતના અધિકારીઓને વેક્સિનેશન 100 ટકાએ પહોંચાડવા તેમજ લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ જમીન માફિયાઓ સામે આકરી કાર્યવાહી કરવા આદેશ આપ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ ઉપરાંત કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને પણ બેઠકમાં ગહન ચર્ચા કરવામાં આવી હતી. એક બાજુ રાજ્યમાં વેક્સિનની અછત સર્જાઈ રહી છે બીજી તરફ રાજ્ય સરકાર 100 ટકા વેક્સિનેશનનો લક્ષ્‍યાંક રાખી રહી છે ત્યારે આ આદેશનું પાલન કેવી રીતે કરવું તેને લઈ પણ અધિકારીઓમાં મુંઝવણ જોવા મળી રહી છે.

રાજ્ય સરકારે અમલી બનાવેલા લેન્ડ ગ્રેબિંગના કાયદામાં જોઈએ તેવી અમલીકરણની ગતિ જોવા મળતી ન હોવાથી આ કાયદાનો ચુસ્તમાં ચુસ્ત અમલ કરીને જમીન માફિયાઓને ઝડપવા સરકારે આદેશ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. સરકારે તમામ અધિકારીઓને જણાવ્યું છે કે, કાર્યવાહી દરમિયાન પૂરતા દસ્તાવેજો તૈયાર રાખવા જોઈએ જેથી ભૂમાફિયાઓકાયદાથી છટકી શકે નહીં.

આ બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, મહેસૂલ મંત્રી કૌશિક પટેલ, પંચાયત રાજ્યમંત્રી જયદથ્રસિંહ પરમાર, મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાશનાથન સહિતના વિવિધ વિભાગોના સચિવો સહિતના ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

(12:47 am IST)