Gujarati News

Gujarati News

News of Friday, 29th April 2022

વડોદરાના જાંબુવા બ્રિજ પાસે એક સાથે 5 વાહનો વચ્‍ચે અકસ્‍માતઃ દંપતિનું મોત

ભરૂચના પતિ-પત્‍નીના મૃતદેહ ઉપર વાહન ફરી વળતા ફુરચે ફુરચા ઉડયા

વડોદરાઃ જાંબુવા બ્રિજ નજીક સવારે ડમ્‍પરે બે બાઇક અને બે કારને હડફેટે લેતા ગોઝારો અકસ્‍માત સર્જાયો હતો. બાઇક સવાર પતિ-પત્‍નીના ઘટના સ્‍થળે કમકમાટીભર્યા મોત થયા હતા. અન્‍ય એક બાઇક ચાલકનો દેહરોડ ઉપર ચુંથાઇ ગયો હતો. પોલીસ ઘટના સ્‍થળે પહોંચી ડમ્‍પર ચાલક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નેશનલ હાઇવે પર જાંબુવા બ્રિજ નજીક એક ખુબ જ વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 બાઇક, 2 ગાડી અને એક ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાો હતો. આ ગોઝારા અકસ્માતમાં બાઇક પર રહેલા પતિ પત્નીના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. કમકમાટીભર્યા અકસ્માતના પગલે હાઇવે પર ભારે ટ્રાફીક જામ થયો હતો. સ્થાનિક પોલીસ દ્વારા સમગ્ર ટ્રાફિક ક્લિયર કરાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ તો સમગ્ર મામલે પોલીસ તપાસ ચલાવી રહી છે.

જાંબુવા બ્રિજ નજીક સવારે એક ડમ્પરે બે બાઇક ચાલકોને અડફેટે લીધા હતા. આ સાથે બે કારચાલકને પણ અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક પર પસાર થઇ રહેલી એક મહિલા અને એક પુરૂષ સહિત ત્રણ લોકો રોડ પર ફેંકાયા હતા. અકસ્માતના પગલે રાજેન્દ્રભાઇ ઓધવજી પ્રજાપતિ (રહે. ભરૂચ) અને શોભનાબેન પ્રજાપતિ નું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. વાહનની અડફેટે આવેલા બાઇક સવારોના દેહ ચુંથાઇ ગયા હતા. માસના ચિથરા રોડ પર ફેલાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, જાંબુવા નદી પરનો બ્રિજ ખુબ જ સાંકડો હોવાથી સતત અકસ્માત થયા કરે છે. તંત્રને વારંવાર રજુઆતો કરવામાં આવી હોવા છતા પણ આ અંગે કોઇ જ પગલા લેવામાં આવતા નથી. હાલ તો પોલીસ દ્વારા ટ્રાફિક ક્લિયર કરાવીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તમામ મૃતદેહોને સયાજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયા છે. આ ઉપરાંત ડમ્પર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

(5:04 pm IST)