Gujarati News

Gujarati News

News of Friday, 29th April 2022

સુરતના રાંદેરમાં ફાયનાન્‍સર સલીમ ખલીલની હત્‍યાઃ 2 ગંભીરઃ અંગત અદાવત કે પૈસાની લેતી-દેતી કારણભૂત

મિત્રો રવિ, અજય અને રફીકની અટકાયત કરીને પૂછપરછ

સુરતઃ રાંદેર મોરા ભાગલ વિસ્‍તારમાં મોડી રાત્રે ફાયરીંગ કરીને સલીમ ખલીલની હત્‍યા કરીને અન્‍ય બે જણાને ગંભીર ઇજા પહોંચાડતા પોલીસે રવિ અજય અને રફીકની અટકાયત કરી છે. અંગત અદાવત કે પૈસાની લેતી દેતી બાબતે આ ઘટના બની હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્‍યુ છે.

રાંદેર મોરાભાગલ વિસ્તારમાં મોડી રાત્રે સલિમ નામના ફાયનાન્સરની ઘાતકી હત્યા કરવામાં આવી હતી, સાથોસાથ અન્ય બે લોકો પર પણ જીવલેણ હુમલો કરતા તેમને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હત્યા અંગત અદાવત અથવા તો પૈસાની લેતી દેતીમાં થઇ હોવાનું પ્રાથમિક તારણ બહાર આવી રહ્યું છે. તેમ છતા પણ પોલીસ તપાસ ચલાવી રહી છે.

સુરતમાં રાંદેરના મોરાભાગળ વિસ્તારમાં રહેતો સલીમ ખલીલ ફાયનાન્સના ધધા સાથે સંકળાયેલ હતો. બુધવારે મોડી રાત્રે સલીમ ખલીલ તેના મિત્ર સાથે બેઠો હતો. દરમિયાન ત્રણ જેટલા યુવકોએ તેના ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. આ ઉપરાંત તેના અન્ય બે સાથીદારો પર પણ ઘાતકી હુમલો કર્યો હતો. જેમાં ઘટના સ્થળે જ સલીમનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે લોકોને લોહીલુહાણ હાલતમાં 108 મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બીજી તરફ આ ઘટનાની જાણ થતાં જ રાંદેર પોલીસ અને ઉચ્ચ અધિકારીનો કાફલો ઘટના સ્થળે પહોંચી હતી. તપાસ શરૂ કરી હતી. ઘટનાને ધ્યાનમાં રાખીને પોલીસે તપાસ કરતા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સલીમ ખલીલમાના મિત્રએ રવિ, અજય અને રફીક નામના ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓના નામ પોલીસને આપ્યા હતા. જેને આધારે રાંદેર પોલીસ દ્વારા ત્રણેય યુવકોની અટકાયત કરીને તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. હાલ તો હત્યા પાછળ પૈસાની લેતી દેતી અથવા તો અંગત અદાવત જવાબદાર માનવામાં આવી રહ્યું છે.

(4:59 pm IST)