Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

આઈ.આઈ.ટી.ઈ. દ્વારા ‘નમામિ શારદામ્‌' અભિયાનઃ મોદી જ્‍યાં ભણેલા તે વડનગરની શાળાથી શુભારંભ

રાજ્‍યની શૈક્ષણિક સંસ્‍થાઓના યોગદાનને બિરદાવવાની નેમઃ હર્ષદ પટેલ

ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્‍થાની (આઈ.આઈ.ટી.ઈ.) દ્વારા વડનગરની ૧૩૪ વર્ષ જૂની કુમાર શાળા નં. ૧માં ‘નમામિ શારદામ' અભિયાન પ્રસંગે ડો. હર્ષદ પટેલ, શરદભાઈ મોદી, ટી.એસ. જોશી, એ.કે. મોઢ, ગૌરાંગ વ્‍યાસ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા
રાજકોટ, તા. ૨૯ :. સમગ્ર રાષ્‍ટ્ર ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ'ની ઉજવણી કરી રહ્યું છે ત્‍યારે ગાંધીનગર સ્‍થિત ભારતીય શિક્ષણ પ્રશિક્ષણ સંસ્‍થાન (આઈ.આઈ.ટી.ઈ.) દ્વારા આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે ગઈકાલે તા. ૨૭થી ‘નમામિ શારદામ્‌' એટલે કે નમો માતૃભૂમિ મિશન-શારદામ્‌ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.
સમગ્ર વર્ષ દરમ્‍યાન ચાલનારા આ અભિયાન અંગે યુનિવર્સિટીના કુલપતિ ડો. હર્ષદ પટેલે જણાવ્‍યુ હતુ કે, વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ૧૨ માર્ચ ૨૦૨૧ના રોજ સાબરમતી આશ્રમ ખાતે સમગ્ર દેશને ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ'માં સહભાગી થવા અને ભાવિ પેઢીને સ્‍વતંત્રતા આંદોલન અને સેનાનીઓની વિર ગાથાથી અવગત કરાવવા આહ્‌વાન કર્યુ હતું. શૈક્ષણિક સંસ્‍થાઓ પ્રેરણાના સ્‍ત્રોત હતા. આઝાદી પૂર્વે સ્‍થપાયેલી અને હાલમાં કાર્યરત એવી ૬૬૨૯ જેટલી પ્રાથમિક શાળાઓ, માધ્‍યમિક અને ઉચ્‍ચ શિક્ષણની સંસ્‍થાઓ મળી લગભગ ૭૦૦૦ જેટલા કેળવણીના ધામોનું યોગદાન વ્‍યકિત અને રાષ્‍ટ્ર નિર્માણમાં વિવિધ પ્રકારે રહ્યુ છે.
સંસ્‍થાના યોગદાનને બિરદાવવા, અભિવાદન કરવા અને તેના વારસાને સમાજ સુધી લઈ જવા આઈ.આઈ.ટી.ઈ. દ્વારા ‘નમામિ માતૃભૂમિ મિશન શારદામ્‌' એટલે કે ‘નમામિ શારદામ્‌'ની અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે.
કાર્યક્રમની શરૂઆત નરેન્‍દ્રભાઈ મોદીએ પ્રાથમિક શિક્ષણ જે શાળામાંથી મેળવ્‍યુ હતુ તે મહેસાણા જિલ્લાના વડનગરની વર્ષ ૧૮૮૮માં સ્‍થપાયેલ વડનગર કુમાર શાળા નં.૧થી કરવામાં આવ્‍યો હતો. સંસ્‍થા અભિવાદન કાર્યક્રમમાં આઈઆઈટીઈના કુલપતિ ડો. હર્ષદ પટેલ દ્વારા સંસ્‍થાના આચાર્યશ્રી શરદભાઈ મોદીને પ્રશસ્‍તિ પત્ર એનાયત કરવામાં આવ્‍યુ હતું. આ પ્રસંગે જીસીઈઆરટી નિયામક ડો. ટી.એસ. જોશી, જીલ્લા શિક્ષણાધિકારી એ.કે. મોઢ, જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ગૌરાંગ વ્‍યાસ, ડી.એન. હાઈસ્‍કૂલના આચાર્ય બાબુભાઈ પ્રજાપતિ ઉપસ્‍થિત રહ્યા હતા.
નમામિ શારદામ્‌ અભિયાનના સંયોજક ડો. સુધીર ટંડેલે જણાવ્‍યુ હતુ કે આ અભિયાન અંતર્ગત અનુસ્‍નાતક કોર્સના ૩૫ વિદ્યાર્થીઓ રાજ્‍યના તમામ જિલ્લાની આઝાદી પૂર્વે અને પછી સ્‍થપાયેલ શૈક્ષણિક સંસ્‍થાઓનો અભ્‍યાસ કરી રાજ્‍યના શિક્ષણના ઈતિહાસની માહિતી સંકલિત કરશે.

 

(12:09 pm IST)