Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

ગુજરાતના બજેટમાં નવા કરવેરા નહિ પણ આકર્ષક યોજનાઓની હારમાળા

વિભાગવાર બેઠકોનો દોર ચલાવતા ભૂપેન્‍દ્રભાઇ અને કનુભાઇ : ચૂંટણીનું વર્ષ હોવાથી ફુલગુલાબી બજેટની તૈયારી : ફેબ્રુઆરી અંતથી માર્ચ અંત સુધી બજેટ સત્ર : નવી સરકારની કસોટી : વિપક્ષનો સામનો કરવા સજ્જ

રાજકોટ તા. ૨૯ : ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ફેબ્રુઆરી ઉત્તરાર્ધથી માર્ચ ઉતરાર્ધ સુધી મળનાર છે. ગુજરાતની વર્તમાન નવી સરકાર માટે પ્રથમ અને ૨૦૨૨ની ધારાસભાની ચૂંટણી પૂર્વેનું અંતિમ બજેટ હોવાથી તેને વિશેષ આકર્ષક બનાવવા પ્રયાસો ચાલી રહ્યા છે. ગાંધીનગરમાં મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ અને નાણામંત્રી કનુભાઇ દેસાઇ વિભાગવાર મંત્રીઓ અને ઉચ્‍ચ અધિકારીઓ સાથે બેઠકો યોજી રહ્યા છે. બજેટમાં નવા કરાવેરાની શક્‍યતા નહિવત અને આકર્ષક યોજનાઓ વિપુલ પ્રમાણમાં હશે તેમ આધારભૂત સૂત્રો જણાવે છે.
ચૂંટણીનું વર્ષ હોવાથી ખેડૂતો, મહિલાઓ, યુવાનો વગેરે માટે યોજનાઓ અને રાહતો આપવાનો પ્રયાસ જણાય છે. વેપાર - ઉદ્યોગને વિકાસ માટે પણ લાભદાયી પગલા આવી શકે છે. બજેટનું કુલ કદ ૨ લાખ કરોડથી વધી જશે. અગાઉના તમામ બજેટ કરતા કંઇક અલગ આપવાની વર્તમાન ટીમની નેમ છે.
બજેટ સત્રમાં નવા અને જુના મુદ્દા આગળ કરી વિપક્ષ કોંગ્રેસ વર્તમાન સરકારને ભીડવવા પ્રયાસ કરશે. તેના સામના માટે ધારાસભ્‍યોની બેઠક બોલાવી ભાજપ રણનીતિ તૈયાર કરશે. મંત્રીઓને પ્રશ્નોના જવાબ આપવા માર્ગદર્શન અપાશે. પાટનગરમાં ધમધમાટ છે.

 

(1:03 pm IST)