Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

રાજ્યની સ્કૂલોમાં વોકેશનલ વિષયો શરૂ કરાશે : તમામ જિલ્લાઓમાં પરિપત્ર

નેશનલ એજ્યુકેશન પોલીસી અંતર્ગત 2025 સુધીમાં 50 ટકા વિદ્યાર્થીઓને વોકેશનલ વિષય અંતર્ગત આવરી લેવાશે

અમદાવાદ :  નેશનલ એજ્યુકેશન પોલીસી અંતર્ગત 2025 સુધીમાં 50 ટકા વિદ્યાર્થીઓને વોકેશનલ વિષય અંતર્ગત આવરી લેવાનું નક્કી કરાયું હોવાથી તમામ જિલ્લાઓમાં આ અંગે પરિપત્ર કરી સ્કૂલોમાં વોકેશનલ વિષયો શરૂ કરવા માટે જણાવાયું છે. હાલમાં રાજ્યમાં માત્ર 345 સ્કૂલોમાં 14600 જેટલા વિદ્યાર્થીઓ જ 8 ટ્રેડમાં વોકેશનલ વિષયોમાં અભ્યાસ કરે છે. જોકે, વોકેશનલ વિષયોની પસંદગીને લઈને 67 જેટલા વોકેશનલ વિષયોની યાદી નક્કી કરાઈ છે. સ્કૂલોએ આ વિષયોમાંથી પસંદ કરી શાળામાં વિષય શરૂ કરવાના રહેશે.

અમદાવાદમાં પણ હાલમાં માંડ 8 સ્કૂલોમાં જ વોકેશનલ વિષયો ભણાવાતા હોઈ નેશનલ એજ્યુકેશન પોલીસી અંતર્ગત આગામી 4 વર્ષની કાર્યયોજના તૈયાર કરી મોકલવા માટે જણાવાયું છે. વોકેશનલ વિષય ધોરણ-9થી દાખલ કરાશે અને ધોરણ-12 સુધી ભણાવવાનું આયોજન છે.

સમગ્ર શિક્ષા ગુજરાત અંતર્ગત વર્ષ 2017થી 2020 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને અનુદાનિત શાળાઓમાં જુદાજુદા 4 ટ્રેડમાં 7 જિલ્લામાં વોકેશનલ વિષય નેશનલ સ્કીલ ક્વોલીફીકેશન ફ્રેમવર્કની ગાઈડલાઈન મુજબ આયોજન કરવામાં આવે છે. હાલની સ્થિતિએ રાજ્યની સરકારી, અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક મળીને કુલ 345 સ્કૂલોમાં વોકેશનલ ટ્રેનર્સ દ્વારા 14600 જેટલા વિદ્યાર્થીઓને જુદાજુદા 8 ટ્રેડમાં વોકેશનલ વિષયોમાં અભ્યાસ કરાવવામાં આવે છે.

રાજ્યની સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ કે જેમાં ધોરણ-9થી 12માં શિક્ષણ કાર્ય થઈ રહ્યું છે. તેવી તમામ શાળાઓને પોતાના વિદ્યાર્થીઓને વોકેશનલ વિષયનું શિક્ષણ પુરૂ પાડી શકે તે માટે પંડિત સુંદરલાલ શર્મા સેન્ટર ઈન્સ્ટિટ્યુટ ઓફ વોકેશનલ એજ્યુકેશન દ્વારા તૈયાર કરવામાં આવેલા 67 વોકેશનલ વિષયોની યાદી નક્કી કરવામાં આવી છે. આ યાદી રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને મોકલવામાં આવી છે અને તેમના જિલ્લાની જે સ્કૂલો જે વિષય શરૂ કરવા માંગતી હોય તો તેમને માર્ગદર્શન આપવા જણાવાયું છે.

વોકેશનલ વિષય શરૂ કરવા માંગતી સ્કૂલોએ દરખાસ્ત કરવાની રહેશે. જિલ્લાની ધોરણ-9માં 40 કે તેથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓના આચાર્યોને વોકેશનલ એજ્યુકેશન ગાઈડલાઈન મોકલી આપવા માટે પણ સુચના અપાઈ છે. જે શાળાઓ પાસે વધારાનો એક રૂમ ઉપલબ્ધ હોય તો તેઓ સ્થાનિક જરૂરીયાત મુજબ વોકેશન ટ્રેડની પસંદગી કરી શકશે. વધુમાં નેશનલ એજ્યુકેશન પોલીસીની ગાઈડલાઈન અન્વયે વર્ષ 2025 સુધીમાં 50 ટકા વિદ્યાર્થીઓને વોકેશનલ વિષય અંતર્ગત આવરી લેવાનું લક્ષ્યાંક આપવામાં આવ્યું છે.

ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે વોકેશનલ વિષયને લઇને રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસીંહ ચુડાસમાને પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું છે કે, ધો.9થી 12ના નિયમિત અભ્યાસક્રમમાં અને નિયત વિષયો ભણવાની સાથે વોકેશનલનો વિષય ભણાવીને બોર્ડના ગુણપત્રકમાં તેની નોંધ થવી જોઇએ. જેથી હિન્દી, સંસ્કુત, ચિત્રકામ અને કોમ્પ્યુટર જેવા વિષયો પણ તે ભણી શકે. વોકેશનલ વિષય દાખલ કરીને નિયમિત વિષયોનો છેદ ઉડાડી દેવામાં આવ્યો છે. તે સૂચના તાત્કાલિક અસરથી કાઢી નાંખવા માટે સમગ્ર શિક્ષા, ગુજરાતને લેખિતમાં સૂચના આપવા માંગણી કરી છે. આ બાબત ગંભીર હોવાથી અગ્રતા આપીને નિર્ણય લેવા વિનંતી કરી છે.

(12:57 am IST)