Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

પાલનપુર : જુગારધામ પર દરોડા દરમિયાન ભાગવા જતા યુવકનું મોત : હોસ્પીટલમાં મૃતકના પરિવારજનો ઉમટ્યા

ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો સિવિલ હોસ્પીટલ ખાતે પહોંચ્યો

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ચંડીસર જીઆઈડીસી નજીક જુગાર ધામ પર રેડ દરમ્યાન યુવકનું મોત નિપજ્યું હતું. પોલીસની રેડ દરમ્યાન ભાગવા જતાં પટકાતા યુવકનુ મોત નિપજ્યું હતું. મૃતક યુવક સલ્લા ગામનો સુનિલભાઇ કોટડીયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. યુવકના મોતના સમાચાર વહેતા થયા બાદ પાલનપુર સિવિલ હોસ્પીટલમાં મૃતકના સ્વજનોના ટોળેટોળા ઉમટ્યા હતા.જેને લઇ ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો સિવિલ હોસ્પીટલ ખાતે ખડકાયો હતો.

પાલનપુર તાલુકાના ચંડીસર ખાતે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસ કમલેશ્વર ખાતે જુગારની રેડ કરવા માટે ગઈ હતી. જ્યાં જુગાર રમી રહેલા કેટલા શખ્સોમાં દોડધામ મચી જવા પામી હતી. આ દરમિયાન સલ્લા ગામના સુનીલભાઈ ચેલાભાઈ પટેલ પણ દોડવા જતાં ધાબા પરથી પટકાવાથી તેને માથામાં ગંભીર ઈજાઓ થવા પામી હતી. જ્યાં તેને સારવાર માટે તાત્કાલીક દવાખાને ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેનું મોત નીપજતા પરિવારોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો.

મૃતક યુવકની લાશને પાલપુર સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ ખસેડવામાં આવી હતી. જોકે આ મામલે સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ કર્મીઓ સામે ફરિયાદ નોંધવાની ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે. ત્યારે હવે આ મામલે મોડી રાત સુધી કોઈ નિર્ણય લેવાયો ન હતો ત્યારે છેલ્લે પોલીસ પગલાં લે છે કે નહીં તે જોવું રહ્યું.

(12:06 am IST)