Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

રાજપથ કલબ બાદ હવે જીસીસીઆઇની 25 સીટ પૈકી 22 બેઠકો બિનહરીફ જાહેર

ત્રણ બેઠકોમાંથી બિઝનેસ એસોસીએશન કેટેગરીની બે બેઠકો માટે ત્રણ ઉમેદવારો બાકી રહેતાં ચૂંટણી યોજાશે : સમજાવટના પ્રયાસો ચાલુ

અમદાવાદ :રાજપથ કલબ લીમીટેડની મેનેજીંગ કમિટીની 10 બેઠકો બિનહરીફ થઇ હતી. ત્યાં વળી આજે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI)ની 25 બેઠકો પૈકી 22 બેઠકો આજે બિનહરીફ થઇ છે. બાકી રહેલી ત્રણ બેઠકોમાંથી બિઝનેસ એસોસીએશન કેટેગરીની બે બેઠકો પર ત્રણ ઉમેદવારો બાકી રહેતાં ચૂંટણી યોજાવાની સંભાવના છે. જો કે આ બેઠકમાં પણ સમજાવટ થઇ રહી છે.

જો તેમાં સફળતાં મળે તો ચૂંટણી યોજવાની સ્થિતિ ટળી શકે. જયારે લાઇફ /પેટ્રન મેમ્બર કેટેગરી આઉટસ્ટેશનની એક બેઠક પર ઝૂંકાવનારા બંને ઉમેદવારોના ફોર્મ રદ થયા હોવાથી આ બેઠક પર કો-ઓપ્ટ સભ્યની નિમણૂંક કરાશે. બિઝનેસ એસોસીએશનની બે બેઠકો પર સમાધાન ન થઇ શકે તો આગામી તા.18મી સપ્ટેમ્બરના રોજ એકમાત્ર બેઠક માટે ચૂંટણી યોજાવી પડે તેવી સ્થિતિ સર્જાવવાની શક્યતાઓ રહેલી છે.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI)ની 25 બેઠકોની ચૂંટણી આગામી તા.18મી સપ્ટેમ્બરના રોજ યોજાવાની હતી. આજે ઉમેદવારી પત્રોની ચકાસણી તથા પરત ખેંચવાના છેલ્લાં દિવસે નવ ( 9 ) ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્ર પાછાં ખેંચતા 22 બેઠકો બિનહરીફ જાહેર થઇ હતી.

આ 22 બેઠકોમાં પ્રમુખ તરીકે નવીન સિન્ટેક્ષ પ્રા.લી.ના હેંમત એન. શાહ, સીનીયર વાઇસ પ્રેસીડેન્ટ તરીકે નેક્સસ ઇન્ફ્રાટેક પ્રા.લી.ના પથિક શૈલેષભાઇ પટવારી, વાઇસ પ્રેસીડેન્ટ તરીકે સંજીવ માલચંદ છાજેર બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે. જયારે કોર્પોરેટ કેટેગરીની ત્રણ બેઠકોમાં ત્રિલોક પરીખ, જીગીશભાઇ દોશી, ભાવેશ લાખાણી અને રીજયોનલ ચેમ્બર કેટેગરીની બે બેઠકો પર બિપેન્દ્રસીંહ જાડેજા તથા કિરીટભાઇ સોની ઉપરાંત બિઝનેસ એસોસીએસન કેટેગરીની આઉટ સ્ટેશનની એક બેઠક પર અજીત એન. શાહ તેમ જ લાઇફ પેટ્રોન મેમ્બર કેટેગરી- લોકલની બે બેઠકો પર નિલેષ દેસાઇ અને અપૂર્વ શાહ બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે.

જનરલ કેટેગરી- લોકલની આઠ બેઠકો પર જૈનિક વકીલ, મિહીર પટેલ, સંકેત એડવર્ટાઇઝીંગના જીગીશ કનૈયાલાલ શાહ, સચિન કે. પટેલ, મીના રાહુલ કાવ્યા, અનિલભાઇ સંઘવી, નવરોજ તારાપોર, જૈનિમ શાહ તથા જનરલ કેટેગરી આઉટ સ્ટેશનની ચાર બેઠકો માટે નિલેષ શુક્લા, દિલીપભાઇ પાધ્યા, જીજ્ઞેશ કાવ્યા, અશ્વિન નાયક બિનહરીફ ચૂંટાયા છે.

બિઝનેસ એસોસીએશન કેટેગરી લોકલની બે બેઠકો માટે ત્રણ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે. આ ત્રણ ઉમેદવારોમાં મેઘરાજ દોડવાની, યોગેશ પરીખ તેમ જ શૈલેષ પટેલનો સમાવેશ થાય છે. આ બેઠક માટે હાલ સમજાવટ ચાલી રહી છે. જો સમાધાન ન થાય તો આ એક માત્ર બેઠક માટે 18મી સપ્ટેમ્બરના રોજ ચુંટણી યોજાશે.

(10:40 pm IST)