Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

ચેતન બેટરીની હત્યા,અપહરણ અને ખંડણી સહિતના ગુનાના આરોપી ગોવા રબારીની અમદાવાદ ક્રાઈમબ્રાંચે કરી ધરપકડ

ભુજમાંથી ટ્રાન્સફર વોરંટથી અમદાવાદમાં લવાયો: અમરાઈવાડી ખાતે રહેતા એક યુવકનું અપહરણ કરી 1 કરોડની ખંડણી મગાઈ હતી

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ગોવા રબારીની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરાઈ છે. ભુજમાંથી ગોવા રબારીને અમદાવાદ પૂછપરછ માટે લવાયો છે. અપહરણ અને ખંડણીના ગુનામાં ક્રાઈમબ્રાંચે ગોવા રબારીની ધરપકડ કરી લીધી છે. મહત્વનું છે કે, અમદાવાદના અમરાઈવાડી ખાતે રહેતા એક યુવકનું અપહરણ કરી 1 કરોડની ખંડણી મગાઈ હતી. ખંડણી માગવાના કેસમાં ગોવા રબારીની પણ સંડોવણી હતી. અગાઉ ગોવા રબારીના ઘરેથી 16 તોલા સોનાની ચેઈનની રિકવરી કરાઈ હતી. ગોવા રબારી સામે મારમારી, હત્યા, સહિતના 15થી વધુ ગુના નોંધાયા છે. ગોવા રબારીએ અમરાઈવાડી કોર્પોરેટર અને ચેતન બેટરીની હત્યા કરી હતી.

અગાઉ વડોદરા સેન્ટ્રલ જેલમાંથી નામચીન ગોવા રબારી પોતાનું ખંડણીનું નેટવર્ક ચલાવી રહ્યો હોવાની પણ વાત સામે આવી હતી. તો 1998માં અમરાઈવાડીના કોર્પોરેટર અમથા દેસાઈની હત્યામાં પણ ગોવા રબારીનું નામ સામે આવ્યું હતું. જેલની બહાર ગોવા રબારીનું નામ સૌ કોઈ જાણતું હતું ત્યારે જેલમાં પણ પોતાનો રોફ જમાવવા માટે એકની હત્યા કરી દીધી હતી. જેલમાં 2005ની ચેતન બેટરીની હત્યા બાદ ગોવા રબારીના નામની ચર્ચાએ જોર પકડ્યું હતું. ગોવા રબારીના ગુનાઓની યાદી જોઈને હાઈ-સિક્યુરિટી ઝોનમાં રખાયો હતો. ત્યારે જેલમાંથી પણ ખંડણીનું નેટવર્ક ચલાવતા ગોવા રબારીને હવે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ લઈને પૂછપરછ હાથ ધરશે. 

(7:38 pm IST)