Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

રાજ્યમાં બે લાખ અને ભાવનગરમાં 10 હજારથી વધુ લોકો કોરોનાકાળમાં અસુવિધાથી મૃત્યુ પામ્યા

ભાવનગરમાં કોંગ્રેસની ન્યાયયાત્રામાં અમિત ચાવડાનો દાવો : મૃતકોના પરિવાર માટે ન્યાયની કરી માંગણી

અમદાવાદ :કોંગ્રેસના નેતાઓ ગામડે-ગામડે જઈને પ્રચારમાં જોડાઈ ગયા છે. ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાવનગર ખાતે કોરોનાકાળમાં લોકોની મોતને લઈ ભાજપ સરકાર પર આક્ષેપ કર્યો છે. ચાવડાએ કહ્યું કે, સમગ્ર ગુજરાતમાં કોરોનાકાળમાં ઓક્સિજનની અછત સહિતના કારણે 2 લાખથી વધુ લોકોના મોત થયા છે.જયારે ભાવનગરમાં પણ 10 હજારથી વધુ લોકોને સુવિધા ન મળતા મોત થયાનો દાવો કર્યો છે. 

ગુજરાતમાં આગામી 2022ની વિધાનસભા ચૂંટણી પૂર્વે નાગરિકોની લાગણીને પોતાના રાજકીય પક્ષ સાથે જોડવાની કવાયદ અલગ-અલગ પાર્ટીઓ કરી રહી છે. પહેલા ભાજપના પાંચ કેન્દ્રીય મંત્રીઓએ જન આશીર્વાદ યાત્રા પૂર્ણ કરી દીધી છે. તો સાથે આમ આદમી પાર્ટીએ પણ જન સંવેદના યાત્રા શરૂ કરી દીધી છે. આ સાથે કોંગ્રેસે કોરોનાકાળમાં જે લોકોના મૃત્યુ થયા તેમના પરિવારજનોની સંવેદના જીલવા ન્યાય યાત્રા પર છે.

 આ દરમિયાન ભાવનગરમાં ન્યાયયાત્રામાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આક્ષેપો કર્યા છે. કોરોનાના કપરાકાળમાં માત્ર ભાવનગરમાં જ લગભગ 10 હજારથી વધુ લોકોના મોત થયાનો દાવો કર્યો છે. રાજ્ય સરકાર સામે આક્ષેપ કરતાં કહ્યું કે, સરકાર ભલે કહે કે ઓક્સિજનના અભાવે રાજ્યમાં એક પણ દર્દીનું મોત થયું નથી. પરંતુ હકીકત એ છે કે, રાજ્યમાં કોરોનાથી જ બે લાખ લોકોની મોત થઈ છે. 

ગુજરાતમાં કોરોના સંક્રમણની પહેલી અને બાદમાં ઘાતક ગણાવાયેલી બીજી લહેર દરમિયાન, કોરોના સંક્રમિત દર્દીઑને પડેલી પારાવાર હાલાકી, ઓક્સિજનનો અભાવ, હોસ્પિટલમાં પથારીનો અભાવ,એમ્બ્યુલન્સની લાઈન જેવી બાબતોનો ઉલ્લેખ કરી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ભાવનગરના વરતેજ વિસ્તારથી ન્યાયયાત્રામાં જોડાયા હતા. ચાવડાએ કોરોના સંક્રમણથી મૃત્યુ પામેલા નાગરિકોના પરિવારજનોને મળીને સંવેદના વ્યક્ત કરવા સાથે આશ્વાસન પણ આપ્યું હતું. સાથે સરકાર પાસે મૃતકોના પરિવારને ન્યાયની સાથે રૂપિયા 4 લાખની સહાય આપે તેવી માંગ કોંગ્રેસ અગાઉ પણ કરી ચૂકી હોવાનો ઉલ્લેખ કર્યો છે. 

(7:33 pm IST)