Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

મુખ્‍યમંત્રી તો શંકર ચૌધરી જ જોઇએઃ બનાસકાંઠા જીલ્લાના વાવના કુંડારિયામાં શુભેચ્‍છા બેઠકમાં ખેડૂતના નિવેદનથી ખુદ શંકરભાઇ પણ ચોંકી ઉઠયા

જો કે બેસી જવાનો ઇશારો કરતા ખેડૂત નીચે બેસી ગયા

Photo: 06

બનાસકાંઠા: 2022ની ચૂંટણી પહેલા રાજ્યમાં વધુ એક સમાજમાં માગ ઉઠી છે કે તેમના સમાજના મુખ્યમંત્રી હોવા જોઈએ. પાટીદાર, ઠાકોર અને આદિવાસી સમાજ બાદ હવે ચૌધરી સમાજમાંથી માગ ઉઠી છે કે, ગુજરાતના મુખ્યમંત્રી તેમના સમાજમાંથી બને. ગુજરાતનો મુખ્યમંત્રી શંકર ચૌધરી જ હોવો જોઈએ તેવી માંગ ઉઠાવતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બનાસકાંઠા જિલ્લાના વાવના કુંડારિયામાં એક શુભેચ્છા બેઠક મળી હતી, જેમાં એક ખેડૂત શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં નિવેદન આપે છે કે, મુખ્યમંત્રી ખેડૂતપુત્ર હોવો જોઈએ, અને તે શંકર ચૌધરી હોવો જોઈએ. ખેડૂતના આ નિવેદનથી શંકર ચૌધરી ચોંકી જાય છે અને ખેડૂતને બેસી જવાનો ઈશારો કરે છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ખેડૂતે ઉત્સાહમાં આવીને આપ્યું નિવેદન

બે દિવસ અગાઉ વાવના કુંડાળીયા ખાતે ભાજપની શુભેચ્છા મિટિંગ યોજાઈ હતી. કાર્યક્રમમાં બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી સહિત ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ અને કર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા. આ મીટિંગમાં પ્રાગભાઈ નામના એક શખ્સની નિવેદનબાજીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં એક ખેડૂતે ઉત્સાહમાં આવીને નિવેદન આપ્યું હતું કે, ‘વાણિયા ને ખબર ના પડે. શંકર ચૌધરી જેવો મુખ્યમંત્રી હોવો જોઈએ. ગુજરાતની ગાદી ઉપર તો ખેડૂતનો દીકરો હોવો જોઈએ. બનાસ ડેરીના ચેરમેનની હાજરીમાં એક ખેડૂત બોલ્યો હતો કે, 'મુખ્યમંત્રી શંકર ચૌધરી હોવા જોઈએ, વાણિયાને ખબર ના પડે.'

ખેડૂતના નિવેદનથી શંકર ચૌધરી પણ ચોંક્યા

ખેડૂતના આ નિવેદનથી ખુદ શંકર ચૌધરી પણ ચોંકી ઉઠ્યા હતા. તેના બાદ શંકર ચૌધરીએ હાથનો ઈશારો કરી ખેડૂતને બેસી જવા વિનંતી કરી હતી. ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા જ અલગ અલગ સમાજ દ્વારા પોતાના સમાજનો મુખ્યમંત્રી હોવાની ઈચ્છાઓ વ્યકત કરવા લાગ્યા છે. ત્યારે હવે બનાસકાંઠામાં શંકર ચૌધરીને મુખ્યમંત્રી બનાવવા માંગ ઉઠી છે.

(5:30 pm IST)