Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

હાલ રાજ્‍યમાં સિંચાઇનું નવું પાણી નહીં છોડવામાં આવે, નર્મદાનું પાણી આપવાનું ચાલુ છે, પીવાના પાણીની વ્‍યવસ્‍થાએ અગ્રીમતાઃ વિજયભાઇ રૂપાણી

સિંચાઇનું પાણી આપવાની ખેડૂતોની માંગ ન સ્‍વીકારાઇ

ગાંધીનગર: દુષ્કાળના ડાકલા વચ્ચે ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. વરસાદની ઘટ અને પાકમાં રોગચાળો આવતા ખેડૂતો પાયમાલ બન્યા છે. જેથી ખેડૂતોએ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ કરી છે. તો સાથે જ અનેક સ્થાનિક નેતાઓ પણ સરકારને સિંચાઈનું પાણી આપવા માંગ કરી રહ્યા છે. આવામાં ગુજરાતના ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે. સરકારે કહ્યું દીધું કે, હાલ રાજ્યમાં સિંચાઈનું નવું પાણી નહિ છોડવામાં આવે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, હાલ નર્મદાનું પાણી આપવાનું ચાલુ છે. પીવાના પાણીની વ્યવસ્થા આપણી અગ્રીમતા છે.

સિંચાઈ માટે પાણી છોડવા અંગે એક નિવેદનમાં તેમણે કહ્યું કે, રાજ્યમાં સિંચાઈનું નવું પાણી હાલ નહિ છોડવામાં આવે. નર્મદાનું પાણી હાલ અપાય છે, તે વિતરણ ચાલુ છે. સિંચાઈનું નવું પાણી હાલ નહિ છોડવામાં આવે. પીવાના પાણીનો પુરતો જથ્થો છે. પીવાના પાણીની વ્યવસ્થા કરવી આપણી અગ્રીમતા છે. આશાવાદી છીએ કે વરસાદ આવશે.

તો બીજી તરફ, રાજ્યમાં પાણીની સ્થિતિ મુદ્દે કૃષિમંત્રી આરસી ફળદુએ કહ્યું કે, 15 દિવસથી ખેડૂતો માટે પાણી છોડીએ છીએ. પીવાનું પાણી રિઝર્વ રાખી ખેડૂતોને પાણી આપીએ છીએ. સૌની યોજનાથી પાણી આપવાની વ્યવસ્થા પણ ચાલુ છે. પરંતુ હાલ રાજ્યમાં પીવાના પાણીની વ્યવસ્થા એ પ્રથમ કર્તવ્ય છે. સૌરાષ્ટ્રનું રાજકોટ હબ છે, રાજકોટથી પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા અને ખેતીવાડી માટે જળ સંપત્તિની યોજનામાં જે પાણી રિઝર્વ રાખવાનું હોય છે, તેને લઈને ફાઈલ રાજ્ય સરકારે મુવ કરી છે, તેથી ખેડૂતો માટે પીવાનું પાણી મળશે. વધુમા કૃષિમંત્રીએ કહ્યું કે, અમે વરસાદ માટે સંપૂર્ણ આશાવાદી છીએ. ખરીફ સીઝન રામ મોલ કહેવાય છે અને રામ મોલમાં દર વર્ષે વરસાદનું પ્રમાણ જળવાયેલું જ રહેતું હોય છે. આ વર્ષે પણ ભગવાન આપણને વરસાદ આપશે.

ખેડૂતોને સિંચાઈ માટે પાણી નહિ આપી શકવાના મુખ્યમંત્રીના નિવેદન ઉપર રાષ્ટ્રીય કિસાન સંઘના ઉપાધ્યક્ષની પ્રતિક્રિયા સામે આવી છે. કિસાન સંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મંગુભાઈ પટેલ ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, વરસાદ આવશે એવી ખેડૂતોને આશા છે અને ખેડૂતોએ પણ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે પોતાનો પાક બચાવવો જોઈએ. જે વિસ્તારોમાં 28 દિવસથી વરસાદ થયો નથી કે 10 ઈંચથી ઓછો વરસાદ થયો છે તે વિસ્તારોમાં રાજ્ય સરકારે સહાયતાના ધોરણો સર્વે ચાલુ કરી દેવો જોઈએ. મુખ્યમંત્રી વિજય રૂપાણી સિંચાઇ માટે પાણી નહિ આપી શકવા સંદર્ભે આપેલા નિવેદન ઉપર વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર નિર્ણય લેશે.

(5:19 pm IST)