Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

લોકસાહિત્યકાર, લેખક, પત્રકાર, કવિ જેવું બહુઆયામી વ્યક્તિત્વ એટલે ઝવેરચંદ મેઘાણી - સમગ્ર રાજ્યની શાળા – કોલેજોમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મ જયંતી નિમિત્તે યુવાનોમાં રાષ્ટ્રભક્તિનો ભાવ જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવશે : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ

અમદાવાદમા ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે “કસુંબીનો રંગ-ઉત્સવ”માં નાયબ મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિ : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મ જયંતી નિમિત્તે “કસુંબીનો રંગ ઉત્સવ”નો કાર્યકમ યોજાયો

રાજકોટ તા.૨૮ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ડો.બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી ખાતે આયોજિત કસુંબીનો રંગ-ઉત્સવ કાર્યક્રમને સંબોધતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે સ્વર્ગસ્થ ઝવેરચંદ મેઘાણીને બહુઆયામી વ્યક્તિત્વ ગણાવતા કહ્યું કે, તેઓ લોકસાહિત્યકાર, લેખક, પત્રકાર અને કવિ જેવી બહુવિધ કૌશલ્યો ધરાવતા હતા. 

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતીનો આજથી શુભારંભ થઈ રહ્યો છે, જે સમગ્ર વર્ષ દરમિયાન આખા રાજ્યમાં ઉજવાશે. તેમણે ઉમેર્યું હતું કે, સમગ્ર રાજ્યની શાળા – કોલેજોમાં આ ઉત્સવની ઉજવણી થકી યુવાનોમાં રાષ્ટ્રભક્તિનો ભાવ  જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવશે.  

નાયબ મુખ્યમંત્રીશ્રીએ આઝાદીની લડતનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, ઝવેરચંદ મેઘાણીએ આઝાદીની લડત વખતે તેમના સાહિત્ય થકી અમૂલ્ય યોગદાન આપ્યું હતું અને આબાલવૃદ્ધ સૌ કોઈમાં તેમની કલમ દ્વારા આઝાદીની લડતનું જોમ પેદા કર્યુ હતુ.

તેમણે પ્રજાને અપીલ કરતાં કહ્યું કે, ઝવેરચંદ મેઘાણીની કલમમાં ખુમારી, વિદ્વતા અને જોશ જોવા મળે છે અને તેથી આ ઉત્તમ સાહિત્યના અમૂલ્ય વારસાને જાળવી રાખવાની આપણા સૌ કોઈની ફરજ છે. 

શ્રી નીતિનભાઈ આ અવસરે ગુજરાતમાં કળા-સંસ્કૃતિ અને વિવિધ ક્ષેત્રોમાં પોતાનું બહુમૂલ્ય યોગદાન આપનારા મહાનુભાવોનું સ્મરણ કરતાં કહ્યું કે, ગુજરાતે હંમેશા દેશની  પ્રગતિ અને વિકાસમાં પોતાના ફાળો આપ્યો છે અને  મહાન સાહિત્યકારો, ચિત્રકારો, નેતાઓ અને સંગીતકારો તેમ જ વૈજ્ઞાનિકોની દેશને ભેટ ધરી છે. 

નાયબ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આપણા લોકડાયરા, લોકકથા, લોકગીતો જેવા પરંપરાગત માધ્યમો દ્વારા આપણી સંસ્કૃતિનું જતન અને સંવર્ધન થઈ રહ્યું છે, તે આપણા સૌ માટે આનંદ અને ગૌરવની વાત છે. 

નાયબ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે ભારત એ દુનિયાની સૌથી મોટી લોકશાહી છે. અને આ રાષ્ટ્રએ અનેક ચડાવ-ઉતાર જોયા છે. પણ આ બધાની વચ્ચે પણ રાષ્ટ્ર સતત ઉન્નતિના શિખરો સર કરતું રહ્યુ છે. તેમણે ગૌરવભેર કહ્યું કે, ભારતની પ્રગતિના મૂળમાં ભારતીય સંસ્કૃતિના મૂલ્યો રહેલા છે. 

  તેમણે ભારતને મળેલા બહુમૂલ્ય વારસાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આપણા વડવાઓએ આપણને અમૂલ્ય વિરાસત આપી છે. આ વિરાસતને ભાવિ પેઢી સુધી પહોંચાડવાની આપણા સૌની નૈતિક ફરજ છે. આ અવસરે તેમણે યુવાનોને રાષ્ટ્રના ઘડવૈયાઓની જીવનમાંથી પ્રેરણા લેવાનું પણ આહવાન કર્યું હતું.  

આ કાર્યક્રમમાં જીટીયુના કુલપતિ શ્રી નવીન શેઠ, કુલસચિવ શ્રી કે.એન.ખેર, આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલસચિવ શ્રી અમી ઉપાધ્યાય, અમદાવાદ જિલ્લા શ્રી સંદિપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ ધામેલિયાના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.   

(4:42 pm IST)