Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

ગાંધીનગરમાં મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે નાયબ મુખ્યમંત્રીનું ઉદ્દબોધન

ભારતમાતા દેશવાસીઓના આરાધ્ય દેવી, તેનું મંદિર ગૌરવરૂપ : નીતિન પટેલ

ગાંધીનગરના સેકટર ૭ માં વિહિપ પ્રેરિત ભારતમાતાના મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે નીતિન પટેલ, પ્રદીપસિંહ જાડેજા, સુરેન્દ્રજી જૈન, દિલીપભાઇ પટેલ, અબજીભાઇ ધોળુ, હીરાભાઇ ધોળુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા

ગાંધીનગર,તા. ૨૮: ગાંધીનગરના સેકટર- ૭ ખાતે સમગ્ર ગુજરાતમાં પ્રથમ શ્રી ભારતમાતા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરીત શ્રી ભારતમાતા મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના તૃતીય દિવસે દ્યર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દ્યર્મસભામાં રાજયના નાયબ મુખ્ય મંત્રી શ્રી નિતીનભાઇ પટેલ અને ગૃહ રાજય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી ભારતમાતા મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત યોજાયેલ ધર્મસભામાં રાજયના નાયબ મુખ્ય મંત્રી શ્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે, શ્રી ભારતમાતા મંદિર સમગ્ર ગુજરાતીઓ માટે ગૌરવ રુપ છે. હિન્દુ સમાજમાં ૩૩ કરોડ દેવી-દેવતાઓ છે. જ્ઞાતિ- જાતિ મુજબ દરેક વ્યકિત પોતાના કુળદેવીની શ્રધ્ધાથી પૂજા- અર્ચના કરે છે. શ્રી ભારતમાતા એટલે દેશની એકતા, અખંડિતા અને સુરક્ષા રૂપે ગણવામાં આવે છે.  શ્રી ભારતમાતા દેશના નાગરિકો માટે આરાધયની દેવી છે. ભારતમાતા સુરક્ષિત, સાધન સંપન્ન હશે, તો જ દેશ વિશ્વમાં ગૌરવ પ્રાપ્ત કરી શકશે. દેશને સુરક્ષિત અને સમૃધ્ધ બનાવવા માટે ભારતમાતા એટલે કે દેશમાં એકતા- અખંડિતા અને સુરક્ષાને અંકબધ રાખવી પડશે. સમગ્ર વિશ્વમાં ભારતમાતા એટલે કે દેશને ગૌરવ અપાવવા માટે દેશના વડાપ્રધાન સુરક્ષા- એકતા અને અંખડિતાને પ્રાધાન્ય આપી રહ્યા છે. પાડોશી દેશમાં ચાલી રહ્યું છે, તે આપણા દેશમાં ન થાય તે માટે પણ એકતા અને દેશભકિત આપણામાં હોવી ખૂબ જ જરૂરી છે.

ગૃહ રાજય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગાંધીનગર ખાતે ગુજરાતનું પ્રથમ નિર્માણ થયેલ શ્રી ભારતમાતાનું મંદિર સંસ્કાર, ભકિત, સેવા અને ઉર્જાનું કેન્દ્ર બની રહેશે. દેશ એટલે કે ભારતમાતાને શિખરે પહોંચાડવા માટે દેશના કરોડો નાગરિકો કામ કરી રહ્યા છે. કોઇપણ દેશે તેનો ઇતિહાસ ન ભૂલવો જોઇએ. આપણને ભારતમાતાના સંતાન હોવાનો ગૌરવ અવશ્ય હોવો જોઇએ. આ મંદિર રાષ્ટ્રભકિતના ચેતનાનું ગાન  કરતું મંદિર બની રહેશે.

વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સંયુકત મહામંત્રી શ્રી સુરેન્દ્રજી જૈને જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રથમ નિર્માણ થયેલ ભારતમાતા મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠતા મહોત્સવ કોઇ યોગ નહિ, પણ પરિવર્તનના સંકેત છે. પરિવર્તનની યાત્રા આ મંદિર બનતા વધુ તેજ બનશે. અહિ થનાર કાર્ય સર્વે ભારતવાસીઓને પ્રભાવિત કરશે. આ મંદિર થકી દેશ ભકિત, સમાજ ઉપયોગી અને અન્ય સમાજ માટે પ્રરેણા રૂપ બની રહે તેવા કાર્યો કરવામાં આવશે.

આ પ્રસંગે શ્રી ભારતમાતા મંદિર નિર્માણ તથા મૂર્તિ પ્રતિષ્ઠાના મુખ્ય યજમાન શ્રી દિલીપભાઇ પટેલ, શ્રી અબજીભાઇ ધોળુ અને હિરાભાઇ ધોળુનું નાયબ મુખ્ય મંત્રી શ્રી નિતીનભાઇ પટેલ અને ગૃહ રાજય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ સાબરકાંઠા જિલ્લાના આદિવાસીઓની સેવા માટે એમ્બ્યુલન્સ પણ અર્પણ કરવામાં આવી હતી.  આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી નાઝાભાઇ ધાંધર, વિશ્વ હિન્દુ પરિષદના ગુજરાત ક્ષેત્ર અધ્યક્ષ શ્રી દિલીપભાઇ પટેલ, મહામંત્રી શ્રી અશોકભાઇ રાવલ, ઉત્ત્।ર ગુજરાત પ્રાંત મંત્રી શ્રી અશ્વિનભાઇ પટેલ સહિત આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

(11:47 am IST)