Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

ગાંધીનગર સિવિલના ગેટ પાસે રુમાલ વેચતી મહિલાને તબીબે 50 ફુટ ઢસડી: સર્વત્ર ફિટકાર

તબીબે કરેલા ગેરવર્તનનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો ડઘાઈ ગયા :

ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં પાથરણું પાથરી વેચાણ કરતી વિધવા મહિલા સાથે સિવિલના તબીબે કરેલા ગેરવર્તનનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને લઈ લોકોએ તબીબના વર્તન પર ફિટકાર વરસાવી છે. ત્યારે સમગ્ર મામલે સિવિલ પ્રશાસન પણ હરકતમાં આવ્યું છે અને ડોકટરનું નિવેદન લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામા આવી હોવાનું જાણવા મળ્યું છે.

ગાંધીનગર જીઈબી કાચા છાપરામાં રહેતા ઝરીનાબેન સુભાન કટિયા નામની વિધવા મહિલા સિવિલ ખાતે પાથરણું પાથરી હાથ રૂમાલ સહિતના કપડા વેચી પોતાનું ગુજરાન ચલાવે છે. 21 ઓગસ્ટે પણ ઝરીના બહેન દરરોજની માફક અહીં બેસી હાથ રૂમાલ વેચી રહ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં વેપાર ધંધો કરવા પર પ્રતિબંધ હોય, અહીં સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના હેડ ડો. વિકી પરીખ આવ્યા હતા અને મહિલા સાથે માથાકૂટ કરી થેલ ફેંકવાની કોશિશ કરી હતી. પરંતુ, ઝરીનાબેને પોતાનો થેલો પકડી રાખતા ડોકટર વિકી પરીખે થેલા સાથે ઝરીનાબેનને 50 ફૂટ સુધી જમીન પર ઢસડ્યા હતા. ડોકટરનું આ કૃત્ય જોઈ અહીં ઉપસ્થિત લોકો ડઘાઈ ગયા હતા.

ભોગ બનનારી મહિલાએ કહ્યું હતું કે સિવિલના દરવાજે બેસીને વેપાર કરું છું. મારા પતિ અવસાન પામ્યા છે, કોઇ સંતાન નથી. શનિવારે સામાન્ય વરસાદ પડતો હોવાથી ગેટની બિલકુલ નીચે બેઠી હતી. ત્યારે ડોક્ટર વિકી પરીખ આવ્યા હતા અને ગાળો બોલતા મારો સામાનનો થેલો ઉપાડી ફેંકવા જઇ રહ્યા હતા. હું સામાનની સાથે ઢસેડાઇ રહી હતી છતાં તેમણે મારો થેલો છોડ્યો ન હતો અને 50 ફૂટ જેટલી મને ઢસેડી નાખી હતી.

સિવિલ હોસ્પિટલમાં દિનદહાડે ડોકટરના અમાનવીય કૃત્યનો કોઈ જાગૃત નાગરિકે વીડિયો બનાવી લીધો હતો. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા જ ડોકટર પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. ઝરીનાબેન દ્વારા સેકટર-7માં ડોકટર વિરુદ્ધ અરજી પણ આપવામા આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડો. નિયતિબેન લાખાણીએ જણાવ્યું હતું કે, ડો. વિકી પરીખ પાસે મહિલાને ખસેડવાની કોઈ સત્તા નથી. વડી કચેરીની સૂચના મુજબ કમિટી બનાવવામાં આવી હતી. જેનાં પગલે ડો. વિકી પરીખનું લેખિત નિવેદન લેવામાં આવ્યું છે. આ રિપૉર્ટ વડી કચેરી ખાતે પણ મોકલી આપવામાં આવ્યો છે. ત્યારે વડી કચેરી કમિટીના રિપોર્ટ ના આધારે ડો. વિકી પરીખ સામે યોગ્ય કાર્યવાહી કરશે.

(12:40 am IST)