Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

મદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય સભામાં ભાજપ શાસકોનો ચાઇનીઝ પ્રેમનો પર્દાફાશ થયો

સીજી રોડના ડેવલપમેન્ટ પ્રોજે્કટમાં બે કરોડના ચાઇનીઝ સ્માર્ટ પોલ લગાડી દીધાં :હવે ચાઇનીઝ સ્માર્ટ પોલ કાર્યરત કરવા માટે આત્મનિર્ભર બનવાની કોશિશ

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય સભામાં ભાજપના શાસકોને ચાઇનીઝ પ્રેમ ખુલ્લો પડ્યો છે ચાંદખેડા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેસરીએ કહ્યું કે, ” ગલવાન ઘાટીમાં આપણા વીર જવાન શહીદ થયા તે વખતે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને સીજી રોડ માટે ચાઇનથી પોલ ખરીદ્યા હતા. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓનો ચાઇનીઝ પ્રેમ ખુલ્લો પડી ગયો હોવાની ઘટના સામે છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ભાજપના શાસકોની મહેરબાનીથી અધિકારીઓ પહેલાં મોટા ઉપાડે ચીનની મુલાકાતે જઇ આવ્યા પછી સીજી રોડના ડેવલપમેન્ટ પ્રોજે્કટમાં બે કરોડના ચાઇનીઝ સ્માર્ટ પોલ લગાડી દીધાં છે પણ હવે ચાઇનીઝ સ્માર્ટ પોલ કાર્યરત કરવા માટે આત્મનિર્ભર બનવાની કૌશીષ કરી રહ્યાં છે. “

કેસરીએ તેઓની રજુઆતમાં જણાવ્યું કે, “ગત તા.15 જુન 2020ના દિવસે દરેક ભારતીયના આંખમાં આસું લાવી દે તેવી લદાખની પૂર્વી સીમા ઉપર ગલવાન ઘાટીની દુઃખદ ઘટના બની હતી. 15 જુન 2020ના દિવસે ચીનના કાયર જવાનોએ ભારતીય સેનાના જવાનો ઉપર હુમલો કર્યો હતો. ચીનની કાયરતાપૂર્ણ ગલવાન ઘાટીની ઘટનામાં ભારતના બહાદૂર એવા 20 જવાનો શહીદ થયા હતા.

ભારતની કેન્દ્ર સરકારે એક વર્ષથી ચાઇનાને તેની ભાષામાં જવાબ આપવા માટે ચીન સાથેના તમામ સંબધો ઓછા કરી દીધાં છે, ભારત સરકારે ચાઇનાની ટીકટોક સહિતની 118 ચાઇનીઝ મોબાઇલ એપ્લીકેશન ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે પણ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ભાજપના શાસકો અને અધિકારીઓ બીજી તરફ 38 કરોડના ખર્ચે સીજી રોડના ડેવલપમેન્ટના પ્રોજેક્ટમાં બે કરોડના ચાઇનીઝ સ્માર્ટ પોલ ફીટ કરી દીધાં હતા.

આ ચીન સાથેનો અભૂતપૂર્વ પ્રેમ કેમ છે તે સૌથી મોટો સવાલ છે જ્યારે ભારત-ચીનની સીમા ઉપર ચીનના સૈનિકો હુમલો કરી રહ્યાં હતા તે વખતે અમદાવાદના સીજી રોડ ઉપર ચીનની કંપનીના ચાઇનીઝ પોલ ફીટ કરવામાં આવી રહ્યાં હતા.

આ શરમજકન ઘટના છે જેના માટે ભાજપના શાસકોએ અને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓએ દરેક અમદાવાદીની માફી માગવી જોઇએ. હવે ગલવાન ઘાટીની દુઃખદ ઘટના બન્યા બાદ ભાજપના શાસકો ભરાઇ પડ્યાં છે. હવે વિવિધ ટેકનોલોજીથી સજ્જ આ ચાઇનીઝ સ્માર્ટ પોલને કાર્યરત કરવા માટે તેઓ પ્રયત્ન કરી રહ્યાં છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને સીજી રોડ ઉપર બે કરોડના ખર્ચે ચાઇનીઝ સ્માર્ટ પોલ લગાડ્યાં પણ પછી એક વર્ષ પહેલાં તેઓએ ચાઇનીઝ કંપની પાસે સોફ્ટવેર ન ખરીદવાનું અને તેમના સર્વરમાં ડેટા ન જાય તેવું નક્કી કર્યું હતુ જેથી એક વર્ષથી સીજી રોડના તમામ સ્માર્ટ પોલ બંધ પડ્યાં છે.

સી. જી. રોડના ડેવલપમેન્ટમાં 12.18 લાખની કિંમતનો એક એવા 7 ચાઇનીઝ સ્માર્ટ પોલ અને 8.50 લાખનો એક એવા 12 નાના ચાઇનીઝ સ્માર્ટ પોલ ફીટ કરાયા છે. આ તમામ ચાઇનીઝ સ્માર્ટ પોલમાં સીસીટીવી, એનાઉન્સમેન્ટ સિસ્ટમ, ડિસ્પ્લે સહિતની ટેકનોનોલોજીનો ડેટા પહેલાં ચાઇનીઝ કંપનીના સર્વર ઉપર જાય પછી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના કંર્ટોલ રૃમમાં આવે તેવી જોગવાઇ હતી જેથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને ચાઇનીઝ કંપનીને પડતી મૂકી છે. હવે પોતાનો કંટ્રોલ રૃમ, સર્વર અને સોફ્ટવેર બનાવી સ્માર્ટ પોલનો ઉપયોગ કરવા વિચારણા ચાલી રહી છે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વર્ષ 2018માં શહેરના સ્ટેડિયમ પાંચ રસ્તાથી પંચવટી પાંચ રસ્તા વચ્ચે આવતાં 3 કિ,.મી.ના સીજી રોડને ડેવલપમેન્ટ પ્રોજેક્ટ નક્કી કર્યો હતો જેમાં પહેલાં રૃ.26 કરોડનો ખર્ચ નક્કી કરાયો હતો પણ સીજી રોડના ડેવલપમેન્ટને પરિમલ ચાર રસ્તા સુધી લંબાવવામાં આવ્યું હતુ જેથી તેનો ખર્ચ 34 કરોડની આસપાસ પહોંચી ગયો હતો. તા. 12-12-2020ના રોજ સીજી રોડનું લોકાર્પણ કરાયું હતુ પણ આ પહેલાં જે થયું તે ચોંકાવનારું છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સીજી રોડને વધુ સ્માર્ટ રોડ બનાવવા માગતી હતી જેથી ચાર મીટરની ઊંચાઇના 12 ચાઇનીઝ સ્માર્ટ પોલ અને 10 મીટરની ઉંચાઇના સાત ચાઇનીઝ સ્માર્ટ પોલ ખાસ ચાઇનાથી મંગાવીને ફીટ કરાયા હતા. અમદાવાદ મ્યુનિ.એ આ તમામ સ્માર્ટ પોલ ચાઇનાની કંપની પાસેથી ખરીદ્યા હતા અને અહીંથી તમામ ડેટા ચાઇનીઝ કંપનીના સર્વર ઉપર જાય પછી ત્યાંથી ફરી અમદાવાદના કંટ્રોલ રૃમ ઉપર આવે તે પ્રકારે સોફ્ટવેર ડિઝાઇન કર્યા હતા અને આ અંગે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓ રાજી હતા તેઓને ડેટા ચોરી કે નાગરિકોની સુરક્ષા અંગે કોઇ ચિંતા ન હતી પણ પછી તા. 15 જુન 2020ના દિવસે લદાખની ગલવાન ઘાટીની ઘટના ઘટી પછી હવે ચાઇનીઝ પોલની સચ્ચાઇ છુપાવવામાં આવી રહી છે.”

કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેસરી સવાલ ઉઠાવ્યાં

1. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ભાજપના શાસકોએ સીજી રોડ ઉપર ચાઇનીઝ પોલ સહિત કેટલી ચીઝવસ્તુઓ ચાઇનાથી ખરીદી છે તેની વિગતો જાહેર કરવી જોઇએ
2. અમદાવાદના નાગરિકોના પસેવાની કમાણીથી ચીનની કંપની પાસે ચાઇનીઝ પોલ કોની મંજુરીથી ખરીદવામાં આવ્યા તે જાહેર કરવું જોઇએ
3. ચાઇનની કંપનીનું અમદાવાદમાં લાઇઝનીંગ કોણ કરે છે તે જાહેર કરવું જોઇએ
4. ચાઇનીઝ કંપની પાસેથી ચાઇનીઝ પોલ ખરીદીને સીજી રોડ ઉપર ફીટ કરી ગલવાન ઘાટીના શહીદોનું અપમાન કરવા બદલ માફી માગવી જોઇએ.
5. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન કેમ એવો ઠરાવ કરતી નથી કે, હવે પછી ક્યારેય ચાઇનાની કંપની પાસેથી કોઇ માલસામાનની ખરીદી કરવામાં આવશે નહીં

 

(11:31 pm IST)